કોવિડ-19નો વૈશ્વિક રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયો તેના પગલે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઠપ્પ થઈ ગયો હતો. હવે, અમેરિકન અર્થતંત્રને આ રીતે અચાનક વિદેશી મુલાકાતીઓની સંખ્યામાં થયેલા તીવ્ર ઘટાડાના પગલે $155 બિલિયનનું નુકશાન થવાની ધારણા હોવાનું ધી વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે જણાવ્યું છે.
ડબ્લ્યુટીટીસીના 2020 ઈકોનોમિક ઈમ્પેક્ટ રીપોર્ટ મુજબ અમેરિકામાં આ વર્ષે વિદેશી પ્રવાસીઓ દ્વારા અમેરિકામાં વાપરમાં આવતા નાણાંનું પ્રમાણ 79 ટકા ઓછું થશે. એ રકમ દેશના અર્થતંત્ર માટે નુકશાનની દ્રષ્ટિએ દૈનિક ધોરણે $425 મિલિયન કે સાપ્તાહિક ધોરણે લગભગ $3 બિલિયનનું થઈ શકે છે. ખરાબમાં ખરાબ સ્થિતિના ડબ્લ્યુટીટીસીના અંદાજો મુજબ આવકમાં નુકશાનના પગલે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે 12.1 મિલિયન જોબ્સ પણ ગુમાવાય તેવી શક્યતા છે.
ટ્રાવેલ ઉદ્યોગે 2019માં $1.8 ટ્રિલિયનની કમાણી કરી હતી, જે અમેરિકાના કુલ અર્થતંત્રનો 9 ટકા હિસ્સો થાય છે અને દેશના કુલ વર્કફોર્સમાં 10.7 ટકા જેટલી, 16.8 મિલિયન જોબ્સ આ ક્ષેત્રે સપોર્ટ કરી હતી.
ડબ્લ્યુટીટીસીના પ્રેસિડેન્ટ અને સીઈઓ ગ્લોરીઆ ગ્વેવારાએ જણાવ્યું હતું કે, “અમારા તાજા અને આંચકો આપતા આંકડા દર્શાવે છે કે, સમગ્ર અમેરિકામાં મિલિયન્સ પરિવારો ટ્રાવેલ અને ટુરિઝમ ઉપર પોતાની આજીવિકા માટે આધારિત છે અને તે બધાને આર્થિક નુકશાન તેમજ યાતના પણ વેઠવી પડી રહી છે. ન્યૂ યોર્ક વિશ્વના બિઝનેસ તેમજ લીઝર ટ્રાવેલના પ્રિમિયર હબ્સમાંનું એક છે અને તેનો એ દરજ્જો કોવિડ-19ના વૈશ્વિક રોગચાળાના પગલે અમેરિકામાં ઘટેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પ્રવાહના કારણે જોખમાઈ શકે છે.”
ગ્વેવારાએ આ ઉદ્યોગને બચાવવા વૈશ્વિક રોગચાળાની સમસ્યાના ઉકેલ માટે વૈશ્વિક અભિગમનો અનુરોધ કર્યો હતો.
“ટ્રાન્સએટલાન્ટિક ટ્રાવેલ ફરી ધમધમતું કરવા આંતરરાષ્ટ્રીય સંકલન સધાય તો એનાથી ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રને વેગ મળશે. તેનાથી એરલાઈન્સ અને હોટેલ્સને, ટ્રાવેલ એજન્ટ્સ અને ટુર ઓપરેટર્સને લાભ મળશે તેમજ એટલાંટિકની બન્ને તરફ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઉપર આધારિત હોય તેવી સપ્લાય ચેઈનમાં મિલિયન્સને જોબ્સ પણ ફરી મળશે,” એમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
2016 થી 2018 દરમિયાન અમેરિકામાં આવતા વિદેશી પ્રવાસીઓમાંથી મોટો હિસ્સો કેનેડા અને મેક્સિકોનો હતો, જે અનુક્રમે વિદેશીઓની કુલ સંખ્યામાં અનુક્રમે 26 અને 24 ટકાનો હિસ્સો ધરાવતો હતો. એકંદરે એક રાષ્ટ્ર તરીકે યુકે 6 ટકા હિસ્સા સાથે ત્રીજા ક્રમે હતું, પણ ન્યૂ યોર્ક શહેર માટે તે વિદેશીઓના આગમનનો મુખ્ય સ્ત્રોત હતું, તે શહેરના માર્કેટનો તે 9 ટકા હિસ્સો હતો.
કોવિડ-19ના વૈશ્વિક રોગચાળાથી અમેરિકામાં આવતા વિદેશી પ્રવાસીઓના પ્રવાહને અવળી અસરની શરૂઆત તો છેક ફેબ્રુઆરીથી થઈ હતી. એ સમયે, વાઈરસ સંબંધિત આંતરરાષ્ટ્રીય ટ્રાવેલના નિયંત્રણોની તો હજી શરૂઆત હતી, પણ તે ઉપરાંત પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ઈરાન, સીરીઆ તથા વેનેઝુએલાના નાગરિકોને સલામતીના કારણોસર પ્રવેશબંધીની પણ અસર તેમાં સામેલ થઈ હતી.