અમેરિકા રસીવાળા પ્રવાસીઓ માટે કેનેડા અને મેક્સિકોની સરહદ ફરી ખોલશે

ટ્રાવેલ એસોસિએશનોનું કહેવું છે કે તેને કારણે પ્રવાસ અને હોસ્પિટાલિટી ઉદ્યોગને ફરી વેગ મળી શકશે

0
1052
હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી એલેજેન્ડ્રો માયોરકાસ કહે છે કે નવેમ્બરની શરૂઆતથી અમેરિકા રસીવાળા પ્રવાસીઓ માટે કેનેડા અને મેક્સિકોની સરહદ ફરી ખોલવામાં આવશે. એટલે કે રસીકરણના દસ્તાવેજ સાથે તેઓ અમેરિકામાં પ્રવેશી શકશે અને રસી નહીં લેનારા પ્રવાસીઓ માટે પ્રતિબંધ યથાવત રહેશે. જાન્યુઆરીથી અમેરિકાએ રસીવાળા તથા રસી નહીં લેનારા પ્રવાસીઓ માટે ખૂબ જરૂરી કિસ્સામાં અમેરિકામાં પ્રવેશવા સામે નિયંત્રણો જાહેર કર્યા હતા.

મેક્સિકો અને કેનેડાના રસી લેનારા પ્રવાસીઓ સરળતાથી ટૂંક સમયમાં અમેરિકામાં પ્રવેશી શકશે. છેલ્લાં એક મહિનાથી ટ્રાવેલ એસોસિએશનો દ્વારા આવા પ્રવાસીઓ પરનો પ્રતિબંધ દૂર કરવા માટેની માંગણી થઇ રહી હતી. સરકારે મેક્સિકો અને કેનેડાના રસી લેનારા પ્રવાસીઓને અમેરિકામાં નવેમ્બરથી પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.

નવી નીતિ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તથા અન્ય જાહેર આરોગ્ય તજજ્ઞો સાથેની પરામર્શ પછી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાના આધારે તૈયાર કરવામાં આવી છે, તેમ હોમલેન્ટ સિક્યુરિટીના સેક્રેટરી અલેજાન્ડ્રો માયોરકાસે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ફેરફાર બે તબક્કામાં હશે, નવેમ્બર મહિનાના પ્રારંભથી યુ.એસ. કસ્ટમ અને બોર્ડ પ્રોટેક્શન દ્વારા જરૂરી દસ્તાવેજો ધરાવનારા મેક્સિકો અને કેનેડાના પ્રવાસીઓને અમેરિકમાં પ્રવેશવા દેશે અને બિનજરૂરી કામ માટે રસીકરણ વિનાના મુસાફરોને હજ પણ અમેરિકામાં પ્રવેશ નહીં મળી શકે.

જાન્યુઆરીમાં ડિએચએસ દ્વારા દેશમાં આવનારા પ્રવાસીઓ માટે રસીકરણ સહિતના દસ્તાવેજ જરૂરી બનાવ્યા હતા. ડિએચએસનું કહેવું છે કે આવશ્યક સેવા સાથે સંકળાયેલા મુસાફરો જેવા કે ટ્રકર્સ, વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓને પણ રસીકરણ કરાવવાનું રહેશે.

માયોરકાસે કહ્યું હતું કે ક્રોસ-બોર્ડર ટ્રાવેલને કારણે મહત્વપૂર્ણ આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળી શકે છે અને તેને કારણે આપણી સરહદની અંદરના સમુદાયોની પ્રવત્તિમાં વધારો થઇ શકે છે અને સરહદી અર્થતંત્રને પણ લાભ મળે છે.

કેનેડા અને મેક્સિકોની સરહદને ફરીથી ખુલ્લી મુકવાને કારણે ખાસ કરીને ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને લાભ મળી શકશે તેમ યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઇઓ રોજરે એક નિવેદનમાં જણાવ્યું હતું. યુએસટીએ દ્વારા એક મહિના પહેલા પણ રસીકરણવાળા પ્રવાસીઓ માટે સરહદ ખોલવા માંગણી કરી હતી.

રોજર કહે છે કે જમીનમાર્ગે અમેરિકાની સરહદો નિયંત્રણો સાથે ખોલવા માટે અમે ઘણા સમયથી માંગ કરી રહ્યાં હતા. જેથી પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રને ટેકો મળી રહે. સરહદની અંદર તરફના ઉદ્યોગોને ધંધો મળી શકે અને તેનો લાભ અર્થતંત્રને પણ મળશે. તેમણે જણાવ્યું હતું કે 250 મિલિયન ડોલરથી વધારેનું નુકસાન નિકાસની આવકને પહોંચ્યું છે અને અમેરિકાની રોજગારીને પણ ગંભીર અસર પહોંચી છે. કેનેડા અને મેક્સિકોની જમીન માર્ગે જોડાયેલી સરહદ બંધ થવાને કારણે અમેરિકન અર્થતંત્રને દર મહિને 700 મિલિયન ડોલરથી વધારેનું નુકસાન થઇ રહ્યું હોવાનો અંદાજ છે.

સરહદ ફરી ખોલવાના સરકારના નિર્ણયને ગ્લોબલ બિઝનેસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા પણ આવકારવામાં આવ્યું છે.

આ અંગે જીબીટીએના સીઈઓ સુઝેન નયુફાન્ગે કહ્યું હતું કે રસીવાળા પ્રવાસીઓ માટે કેનેડા અને મેક્સિકોની જમીનમાર્ગે સરહદો ખોલવાના સરકારના નિર્ણયથી સરહદની બંને તરફથા સમુદાયને લાભ મળી શકશે અને અર્થતંત્રને પણ ટેકો મળી શકશે. તથા ફૂગાવાનો દર પણ નિયંત્રણમાં આવી શકશે.