યુએસટીએ દ્વારા રસી લીધેલા લોકો માટે અમેરિકા-કેનેડા સરહદ ખોલવા માંગણી

હાલ કોવિડ-19 નિયંત્રણોને કારણે પ્રવાસન અર્થતંત્રને મહિને 1.5 બિલિયન ડોલરનું નુકસાન

0
755
કેનેડાએ સંપૂર્ણ રસીકરણ કરાવનારા અમેરિકાના નાગરિકો માટે પોતાની સરહદો 9મી ઓગસ્ટથી ખોલી નાખી છે પરંતુ અમેરિકા દ્વારા ઓગસ્ટ 21 સુધી પોતાની સરહદ ખોલવા કોઇ વિચારણા નથી. જોકે યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા પ્રેસિડેન્ટ જો બાઇડન તંત્રને રજુઆત કરીને માંગણી કરવામાં આવી છે કે જે લોકોએ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે તેમના માટે સરહદો ખોલવી જોઇએ જેથી પ્રવાસન અર્થતંત્રને આર્થિક ટેકો મળી રહે.

જેમણે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે તેવા નાગરિકો માટે અમેરિકન સત્તાવાળાઓએ કોવિડ-19 મહામારીને કારણે બંધ કરવામાં આવેલી પોતાની કેનેડા સાથેની સરહદ ખોલી નાખવી જોઇએ જેથી પ્રવાસન અર્થતંત્રને પડી રહેલી આર્થિક નુકસાનીને રોકી શકાય તેમ યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે. કેનેડાએ સંપૂર્ણ રસીકરણ કરાવી લેનારા અમેરિકાના નાગરિકો માટે પોતાની સરહદો 9મી ઓગસ્ટથી ખોલી દીધી છે પરંતુ અમેરિકન સત્તાધિશો ઓગસ્ટ 21 સુધી તે અંગે કોઇ નિર્ણય લેવાના મૂડમાં નથી.

યુએસટીએ પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડોવે કહ્યું હતું કે બાઇડન તંત્ર દ્વારા કેનેડાની નીતિ અંગે કોઇપણ વિલંબ કર્યા વગર વિચારવું જોઇએ. કેનેડામાં રસીકરણનો દર વધ્યો છે.

કેનેડામાં જમીન માર્ગે દાખલ થનારા સંપૂર્ણ રસીકરણવાળા અમેરિકન નાગરિકોને ત્યાંના તંત્ર દ્વારા આવકારવામાં આવી રહ્યાં છે. તેને અમારા ઉત્તરીય પડોશીઓને પ્રવાસન ક્ષેત્રે લાભ મળી રહ્યો છે અને તે પ્રકારે અહીં આપણી તરફ પણ એવા પગલાં લેવાની જરૂર છે. દર મહિને અમેરિકામાં સંભવિત ટ્રાવેલ એક્સપોર્ટમાં 1.5 બિલિયન ડોલરથી વધારેનું નુકસાન પહોંચી રહ્યું હોવાનો અંદાજ છે. રોજર્સે એક નિવેદનમાં આ પ્રકારે જણાવ્યું હતું.

કેનેડાએ અમેરિકાનું સૌથી બહોળું ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્કેટ સોર્સ છે અને 2019માં ઇનબાઉન્ડ ટ્રાફિકમાં તેની હિસ્સેદારી 26 ટકા જેટલી રહી હતી. જે 22 બિલિયન ડોલરની નિકાસ આવક પણ ધરાવે છે. યુએસટીએ અનુસાર જો કેનેડા તરફથી 2019ની સરખામણીએ અડધા પ્રમાણમાં પણ પ્રવાસન શરૂ થાય તો 2021ના બાકીના સમયમાં થોડી ઘણી રાહત મળી શકે તેમ છે.

કેનેડાની સરહદ નજીક હોટેલ ધરાવનાર જયેશ પટેલે એશિયન હોસ્પિટાલિટીને જણાવ્યું હતું કે કેનેડાની સરહદ ફરી ખોલવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. તેમની ચીકટોવાગા કંપની ન્યુયોર્કમાં નાયગ્રા ધોધની પાસે કેનેડાની સરહદ પાસે આવેલી છે. મહામારી દરમિયાન પ્રવાસીઓ માટે 16 મહિના સુધી તેને બંધ રાખવાની ફરજ પડી છે.

આ મહિનાના પ્રારંભે જ બાઇડન તંત્ર સંપૂર્ણ રસીકરણ ધરાવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પ્રવાસ નિયંત્રણોમાં રાહત આપવા વિચારણ કરી રહ્યું હોવાના અહેવાલોને યુએસટીએ દ્વારા આવકારવામાં આવ્યા હતા.

યુએસટીએ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ એન્ડ પોલિસી ટોરી એમરસન બાર્નેસે જણાવ્યું હતું કે યુકે, ઈયુ અને કેનેડા પરના પ્રવાસ નિયંત્રણોને કારણે દર અઠવાડિયે 1.5 બિલિયન ડોલરનું નુકસાન થઇ રહ્યું છે અને 10000 જેટલા અમેરિકન કામદારોની નોકરી સામે જોખમ સર્જાઇ રહ્યું છે.

બાર્નેસે કહ્યું હતું કે શક્ય હોય એટલી ઝડપથી તેઓ આ પ્રકારના નિયંત્રણો હળવા કરવા પ્રયાસ કરે. ખાસ કરીને યુકે અને યુરોપિયન યુનિયન તથા કેનેડા વચ્ચેના પ્રવાસને લગતા નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવે. સંપૂર્ણ રસીકરણ કરાવનારાઓ માટે કેનેડા સાથેની સરહદ પણ ખોલી નાખવામાં આવે તે જરરી છે જેથી આપણા અર્થતંત્રને ટેકો મળી શકે.

ગત મહિને આ બાબતે બાઇડેન તંત્રને રજુઆત કરનારા 24 ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ગઠબંધનમાં યુએસટીએ પણ સામેલ હતું. ગઠબંધન દ્વારા આ અંગે “અ ફ્રેમવર્ક ટુ સેફલી લિફ્ટ એન્ટ્રી રીસ્ટ્રીકશન્સ એન્ડ રીસ્ટાર્ટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ”ના શિર્ષક હેઠળ એક રૂપરેખા પણ સુપરત કરવામાં આવી હતી.