ઉનાળા પુરો થવા આવ્યો છે અને ફોલ સીઝનનો આરંભ થવાનો છે તેમજ સાથે સાથે અનેક રાજ્યોમાં કોવિડ-19ના કેસીઝની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે કેટલાક પ્રવાસીઓને એવી લાલચ થઈ શકે છે કે, તેઓ પોતાના ફેસમાસ્ક હવે પહેરવાનું બંધ કરે. જાગૃત અને સાવચેત રહી સલામતીના ધોરણોનું પાલન કરાય તેને પ્રોત્સાહન આપવા માટે, યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન તેની “ટ્રાવેલ કોન્ફિડેન્ટ્લી (એ શેર્ડ રીસ્પોન્સિબિલિટી)” ટુલકિટમાં નવા ગ્રાફિક્સનો સમાવેશ કર્યો છે, જે લોકોને માસ્ક્સ પહેરવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કરે છે.
યુએસટીએ કુલકિટમાં ઈન્ફોગ્રાફિક્સ, સોશિયલ મિડિયા મટીરિયલ્સ, સેમ્પલ વેબ બેજીસ વગેરેનો સમાવેશ કરાયો છે. આ નવા ગ્રાફિક્સમાં ટ્રાવેલ ઉદ્યોગ દ્વારા વધુ ઉચ્ચ સ્તરના આરોગ્યપ્રદ વ્યવહારોના અમલનો તેમજ દરેક વ્યક્તિ દ્વારા એકબીજાની, પરસ્પરની સલામતીની ખાતરીમાં ભજવવાની ભૂમિકા ઉપર વિશેષ ભાર મુકાયો છે.
યુએસટીએના વાઈસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ તથા ઈન્ડસ્ટ્રી કોમ્યુનિકેશન્સ, લૌરા હોલ્મબર્ગે જણાવ્યું હતું કે, “આપણે ફોલની સીઝન તરફ અને વધુ ઠંડા હવામાન તરફ આગળ ધપી રહ્યા છીએ ત્યારે, એ વાત મહત્ત્વની છે કે, અમેરિકન લોકોએ જાગૃત રહી ઉનાળુ ટ્રાવેસ સીઝન દરમિયાન જે આરોગ્યપ્રદ ટ્રાવેલ પ્રેક્ટિસિઝને પ્રોત્સાહન અપાયું હતું તેનું પાલન ચાલુ રાખવું – પછી ચાહે તમે પ્રવાસે જઈ રહ્યા હો, સ્કૂલે જઈ રહ્યા હો કે એપલ પિકિંગ માટે જઈ રહ્યા હો.”
સલામતી ઉપર વિશેષ ભાર મુકવાની આવશ્યકતા એટલા માટે છે કે, સમગ્ર અમેરિકામાં ઉનાળાના ગાળાના દરરોજના 70,000 કેસની ઉચ્ચ સપાટીએથી નવા કોરોનાવાઈરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
જો કે, નિયંત્રણના આ પ્રારંભિક ચિહ્નોનો સંકેત એવો નથી ગણવાનો કે, આપણે આપણી આરોગ્યપ્રદ પ્રવાસ આદતોમાં ઢીલ મુકીએ. ખરેખર તો, આપણે માસ્ક પહેરવામાં, હાથ ધોવામાં અને શક્ય હોય ત્યાં સુધી એકબીજાથી શારીરિક અંતર પણ જાળવવામાં એટલા જ જાગૃત રહેવું જોઈએ, એમ જણાવતાં હોલ્મબર્ગે વધુમાં કહ્યું હતું કે, “વાઈરસનો ફેલાવો અટકાવવામાં માલ્ક પહેરવો તે એક અસરકારક ઓજાર હોવાનું દર્શાવતા અનેક પુરાવા છે અને આપણે સૌ, ચાહે ગમે ત્યાં પ્રવાસ ખેડી રહ્યા હોઈએ, દરેકે માસ્ક પહેરવો જોઈએ. વાસ્તવમાં તો, માસ્ક એટલા બધા અસરકારક છે કે, સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો. રોબર્ટ રેડફિલ્ડે તો તેને કોવિડ-19 સામેની લડતમાં આપણી પાસે રહેલું સૌથી વધુ શક્તિશાળી શસ્ત્ર ગણાવ્યા છે. આપણે લેવાનું રહે છે તેવું તે એક સૌથી સાદા, સરળ પગલાંઓમાંનું એક છે અને છતાં તેની અસર જબરજસ્ત છે.”
મેરિઅટ ઈન્ટરનેશનલ, વિન્ધામ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ, હિલ્ટન, ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ગ્રુપ, રેડિસન હોટેલ ગ્રુપ, લોએવ્ઝ હોટેલ્સ એન્ડ કું. તથા હયાત હોટેલ્સ કોર્પો. જેવી અનેક વિશાળ હોટેલ કંપનીઝે એવા નિયમો અપનાવ્યા કે તેમને ત્યાં ઉતર્યા હોય તેવા તમામ ગેસ્ટ્સે તેઓ જાહેર જગ્યાએ હોય ત્યારે તેમણે માસ્ક પહેરેલા હોવા જોઈએ. આ પગલું અમેરિકન હોટેલ એન્ડ લોજીંગ એસોસિએશનના “સેફ સ્ટે ગેસ્ટ ચેકલિસ્ટ”માં સહભાગી બનવાના આ કંપનીઓના નિર્ણયનો એક હિસ્સો છે.