કોવિડ-19 ટેસ્ટિંગના એરલાઈન્સના અનુરોધને યુએસટીએનું સમર્થન

ટ્રાવેલ ઉદ્યોગમાં ગુમાવાયેલી જોબ્સ પરત મેળવવા ટેસ્ટિંગ જરૂરી હોવાનું એસોસિએશને જણાવ્યું

0
1206
ઈન્ટરનેશનલ વિમાની પ્રવાસો માટે એક પાઈલોટ કોવિડ-19 ટેસ્ટિંગ પ્રોગ્રામ શરૂ કરવાના અમેરિકન એરલાઈન ઈન્ડસ્ટ્રીના અનુરોધને યુ.એસ. ટ્રાવેલ એસોસિએશને સમર્થન આપ્યું છે.

કોરોનાવાઈરસે અમેરિકા આવવા માટે લાંબી મજલ કાપવી પડી હતી અને દેખિતી રીતે તે વિમાનમાં જ આવ્યો હતો. હવે એરલાઈન ઉદ્યોગે ફેડરલ સરકારને અનુરોધ કર્યો છે કે ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં આવતા પ્રવાસીઓના વાઈરસ ટેસ્ટિંગ માટે સરકાર વ્યવસ્થા ગોઠવે, જેથી વિદેશીઓ અમેરિકા આવતા થાય.

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશને એક નિવેદન જારી કરી ટેસ્ટિંગ માટેના એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીના અનુરોધને સમર્થન આપ્યું છે.

યુએસટીએના વાઈસ પ્રેસિડેન્ટ – પબ્લિક અફેર્સ એન્ડ પોલિસી, ટોરી એમર્સન બાર્નેસે કહ્યું હતું કે, “અમે ઘણા સમયથી આ વાત કરતા રહ્યા છીએ કે, સલામત પ્રવાસ અને અર્થતંત્ર ફરીથી ધબકતું કરવા ટેસ્ટિંગ સૌથી વધુ મહત્ત્વનું છે. ટેસ્ટિંગ વધુ ઝડપી અને કાર્યક્ષમ હશે તો એનાથી પ્રવાસનનું અર્થતંત્ર વધુ બહોળા સ્તરે ફરીથી ધબકતું કરી શકાશે અને તેના થકી સંસ્થાઓ, બિઝનેસીઝ ગુમાવાયેલી જોબ્સ વધુ ઝડપથી ફરી કાર્યરત કરી શકશે, કર્મચારીઓને ફરીથી કામે લઈ શકાશે. અને સૌથી મહત્ત્વનું તો એ છે કે, એક મજબૂત ટેસ્ટિંગ પ્રોગ્રામ ઘડીને કાર્યરત બનાવાય તો તેના થકી અમેરિકી ફરી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આવકારી શકશે, કોરોનાવાઈરસના રોગચાળાના આરંભથી ટ્રાવેલ ક્ષેત્રનો આ વર્ગ તો સાવ બંધ જ થઈ ગયો છે.”

“કોવિડ-19 ટેસ્ટિંગ વધારવામાં આવે અને સાથોસાથ રાહત, સલામતી અને પ્રોત્સાહનનું ફેડરલ ફ્રેમવર્ક અમલમાં આવે તેમજ માસ્ક પહેરવા જેવી પ્રવાસનની તંદુરસ્ત આદતો કેળવાય, તેનું પાલન થાય તો એનાથી મંદીમાંથી પાછા સ્વસ્થ થવાનો સમયગાળો ટુંકો થઈ શકે અને અમેરિકા આર્થિક રીતે ફરી મજબૂતીની દિશામાં આગળ ધપી શકે.”

ગયા વીકે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે જાહેરાત કરી હતી કે, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં અચાનક અને તીવ્ર ઘટાડો થયાના પગલે એકલા અમેરિકાને 155 બિલિયન ડોલર્સનું નુકશાન થવાનો અંદાજ છે. કોરોનાવાઈરસના રોગચાળાના કારણે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ અમેરિકામાં આવીને જે નાણાં ખર્ચે છે, તેમાં 79 ટકાનો જંગી ઘટાડો થવાની ધારણા ડબ્લ્યુટીટીસીના 2020ના ઈકોનોમિક ઈમ્પેક્ટ રીપોર્ટમાં દર્શાવાઈ છે. બીજી રીતે જોઈએ તો એ દરરોજનું 425 મિલિયન ડોલર્સનું અથવા તો એક વીકમાં લગભગ 3 બિલિયન ડોલર્સનું અમેરિકાના અર્થતંત્રને નુકશાન દર્શાવે છે. આવકમાં થનારા નુકશાનથી ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં 12.1 મિલિયન જોબ્સ ગુમાવવી પડે તેવી શક્યતા ડબ્લ્યુટીટીસીએ દર્શાવી છે.