અમેરિકન સેનેટ અને હાઉસ દ્વારા 1.5 ટ્રિલિયનવાળા આર્થિક રાહત-ભંડોળ આપનારા પેકેજને ગત અઠવાડિયે મંજૂરી આપવામાં આવી છે. જેમાં હોસ્પિટાલિટીને જેની હાલના સમયે તાતી જરૂર છે તેવી જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે, તેમ ઉદ્યોગો સાથે સંકળાયેલા બે સંગઠન જણાવે છે. જોકે આ બિલમાં ઇન્ડસ્ટ્રીને ખરેખર જરૂર છે તેવી કેટલીક બાબતોનો સમાવેશ કરાયો નથી.
આ સર્વગ્રાહી ખર્ચ બિલ 68-31 મતથી સેનેટમાં પસાર કરાયું છે અને હવે તે પ્રેસિડેન્ટ બાઇડનના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે તેમ સરકાર કેન્દ્રિત સમાચાર સંસ્થા રોલકોલડોટકોમ દ્વારા જણાવાયું છે. 2700વાળા આ સર્વગ્રાહી ખર્ચ બિલ માટે છેલ્લાં પાંચ મહિનાથી ચર્ચા અને વાટાઘાટ ચાલી રહી હતી.
આ અંગે યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડાવ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે બિલમાં ડેસ્ટિનેશન માર્કેટિંગ સંગઠનોને પુનઃ બેઠા કરવા માટેના 250 મિલિયન ડોલરના ભંડોળની જોગવાઈનો સમાવેશ કરાયો છે. આ સંગઠનો અમેરિકા માટેના પ્રવાસને પ્રોત્સાહન આપે છે. યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા આ બિલને આવકારાયું છે.
રોજરે કહ્યું હતું કે આ રાહત પેકેજથી બ્રાન્ડ યુએસએને વેગ મળશે. મહામારીને કારણે કપરા સમયનો સામનો કરી રહેલા હોસ્પિટાલિટી ઉદ્યોગને આર્થિક મારથી બેઠા થવામાં મદદ મળી રહેશે.
અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ રોજર્સ કહે છે કે બિલમાં અનેક બાબતો સમાવેશ નથી કરાઈ. જોકે રોજર્સ બ્રાન્ડ યુએસએસ ફન્ડિંગ સહિતની બિલમાં સમાવિષ્ટ બાબતોને સમર્થન કરે છે.
રોજર્સ કહે છે કે બિલમાં કોવિડ-19ને કારણે અસર પામનારા હોટેલ કર્મચારીઓ તથા નાના વેપારી-ધંધાર્થીઓને બાકાત રખાયા છે, જેમને મહામારીના પ્રારંભિક સમયમાં ખૂબ સહન કરવું પડ્યું હતું. બિલને કારણે હોમલેન્ડ સિક્યુરિટી તથા લેબર વિભાગ દ્વારા એચ-2બી વિઝા નાણાકીય વર્ષ 2022 માટે વધારવાની તક મળશે. તેને કારણે સિઝનલ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા નાના વેપારીઓ પણ પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકશે.
આહલા, યુએસટીએ તથા આહોઆ દ્વારા અગાઉ નવેમ્બરમાં રજૂ કરાયેલા 1.2 ટ્રિલિયન ડોલરના ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ અને જોબ એક્ટને સમર્થન અપાયું છે.