તાજેતરમાં હાથ ધરવામાં આવેલા યુ.એસ. ફેમિલી ટ્રાવેલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે 88 ટકા પરિવારો કે માતાપિતા પોતાના સંતાનો સાથે આવનારા 12 મહિના દરમિયાન બહાર ફરવા જવાનું પસંદ કરશે તેમ જણાવ્યું હતું. સર્વેમાં એમ પણ જણાયું કે પરિવારોએ પ્રવાસના સ્થળોની પસંદગી કરતા સમયે કેન્સલેશન પોલીસી તથા આરોગ્ય અને સલામતી તરફ વધારે ધ્યાન આપ્યું હતું.
આ સર્વે ફેમિલી ટ્રાવેલ એસોસિએશન દ્વારા તથા એનવાયયુ સ્કૂલ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ જોનાથન એમ.ટિસ્ચ સેન્ટર ઓફ હોસ્પિટાલિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
વાર્ષિક સર્વેના છઠ્ઠા ભાગમાં જૂન અને જૂલાઈ 2021 દરમિયાન 2365 માતાપિતા તરફથી પ્રતિસાદ મળ્યો હતો. સર્વે અનુસાર જવાબ આપનારાઓમાંથી ફક્ત 44 ટકા માતાપિતાઓએ 2020માં પરિવાર સાથેની યાત્રા કરી અને 80 ટકા પરિવારોએ પોતાના ટ્રાવેલ પ્લાનમાં મહામારીને કારણે ફેરફાર કર્યો હતો.
સર્વે અનુસાર ડોમેસ્ટિક પ્રવાસ થોડેઘણે અંશે ચાલુ રહ્યો પરંતુ આતંરરાષ્ટ્રીય પ્રવાસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જવાબ આપનારાઓમાંથી 83 ટકા માતાપિતાઓએ જણાવ્યું કે તેઓ યુ.એસ.માં મલ્ટી-ડે વેકેશન માણવાનું પસંદ કરશે, જ્યારે ફક્ત 19 ટકાએ કહ્યું કે તેઓ ઇન્ટરનેશનલ ટ્રિપ કરવાનું પસંદ કરશે. હોટેલ, વેકેશન રેન્ટલસ અને રીસોર્ટ એ રોકાણના સારા સ્થળોની યાદીમાં સામેલ છે. સર્વેમાં સામેલ 65 ટકાએ જણાવ્યું કે તેઓ પરિવાર સાથે મુસાફરી કરવાના સમયે આવનારા બે વર્ષ દરમિયાન ટ્રાવેલ એડલાઇઝરની સેવા લેવાનું પસંદ કરશે.
મોટાભાગના પ્રવાસ કરવાનું કારણ એ પરિવારના સભ્યોને કે મિત્રોને મળવા જવાનું હોવાનું પણ સર્વેમાં જાણવા મળ્યું છે. 61 ટકાએ જણાવ્યું હતું કે તેઓ થીમ પાર્ક, વોટરપાર્ક કે સ્ટેટ અને નેશનલ પાર્કમાં ફરવા જવાનું પહેલા પસંદ કરશે.
આ અંગે લીન મિનાઇઆર્ટ, ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર, ટીસ્ચ સેન્ટર કહે છે કે 2021 યુ.એસ. ફેમિલી ટ્રાવેલ સર્વે દર્શાવે છે કે પરિવાર સાથે પ્રવાસ કરવાની કેટલીક બાબતો યથાવત રહી છે જ્યારે કેટલાક મહત્વના ફેરફાર જોવા મળ્યા છે, જે મહામારીને કારણે સામે આવ્યા છે. ટ્રાવેલ ધંધાર્થીઓ પાસેથી પ્રવાસ કરનારાઓ સ્પષ્ટ માહિતી સાથે કામ કરવાનું પસંદ કરશે. ઉદાહરણ તરીકે કેટલાક લોકો પ્રવાસની સાથે રોકાણના સ્થળે આરોગ્યપ્રદ સુવિધાનો આગ્રહ રાખે છે.
સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે પરિવારો દ્વારા પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને સુવિધાઓ અંગે રસીકરણને ધ્યાને લઇને તથા હેલ્થ પ્રોટોકોલના અમલ સાથે રોકાણના સ્થળની પસંદગી કરવાનું પસંદ કરશે.
વેક્સિન પાસપોર્ટ અંગેના પ્રશ્નમાં 53 ટકા માતાપિતા એ બાબતે સંમત થયા હતા અને 28 ટકાએ તે બાબતે નારાજગી વ્યક્ત કરી હતી, તેમ સર્વેમાં જાણવા મળ્યું છે. 72 ટકા પરિવારોએ પ્રાદેશિક હવાઇ મુસાફરી કરવા તથા 40 ટકાએ આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી કરવા અંગે ઇચ્છા વ્યક્ત કરી હતી. ફક્ત 15 ટકાએ જણાવ્યું હતું કે તેઓ વિદેશ પ્રવાસ કરવા ઇચ્છતા નથી.
આ અંગે રેઇની જેન્સ, એફટીએ ફાઉન્ડર કહે છે કે મહામારીને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને સાલ 2020 અને 2021 દરમિયાન ભારે અસર પહોંચી છે. ખાસ કરીને સરહદો બંધ કરવી, ફરજિયાત માસ્ક પહેરવું, રસી લેવી સહિતને કારણે લોકોના ફરવાના પ્લાનને અસર પહોંચી છે.
આઇએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા એક સર્વેમાં જણાયું હતું કે મોટાભાગના પરિવારો 2021માં બહાર ફરવા નિકળવાનું પસંદ કરશે.