કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળામાં પણ અમેરિકા નવી હોટેલ્સ ખુલવામાં મોખરે

નવી હોટેલ્સના પ્રોજેક્ટ પાછા ઠેલાવા, પડતા મુકાવાની સંખ્યામાં પણ વધારો

0
1009
કોવિડ-19ના વિશ્વવ્યાપી રોગચાળા દરમિયાન પણ અમેરિકામાં નવી હોટેલ્સ ખુલ્લી મુકાવાની સંખ્યા 521, સૌથી વધુ રહી છે, તો સાથે સાથે એકાદ વર્ષ માટે પાછા ઠેલાયા હોય તેવા હોટેલ પ્રોજેક્ટ્સની સંખ્યા 211 રહી છે, જે ગયા વર્ષની તુલનાએ 56 ટકા વધારો દર્શાવે છે તેમજ 2019ની તુલનાએ 16 ટકા વધારો સૂચવતી પડતી મુકાયેલી હોટેલ પ્રોજેક્ટ્સની સંખ્યા પણ 232ની રહી હોવાનું એસટીઆરનો રીપોર્ટ જણાવે છે.

કોવિડ-19નો રોગચાળો હજી પણ વિશ્વને પજવી રહ્યો છે, ત્યારે એસટીઆરના રીપોર્ટ મુજબ નવી હોટેલ્સ ખુલવાની સંખ્યામાં અમેરિકા વિશ્વમાં મોખરે છે. જો કે, તેની સાથોસાથ પાછા અમેરિકામાં ઠેલાયેલા પ્રોજેક્ટ્સ અને પડતા મુકાયેલા પ્રોજેક્ટ્સની સંખ્યામાં પણ વધારો થયો છે.

30 સપ્ટેમ્બર સુધીના સાત મહિનામાં 55,395 રૂમ્સ સાથે 521 નવી પ્રોપર્ટીઝનું અમેરિકામાં ઉદઘાટન થયું હતું અને કોવિડ-19ના રોગચાળાના સમય દરમિયાન 2,000થી વધુ રૂમ્સની ક્ષમતા સાથેની નવી હોટેલ્સ ખુલ્લી મુકાઈ હોય તેવા છ દેશોના લિસ્ટમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. બાકીના દેશોની વિગતો આ મુજબ છેઃ

  • ચીન (23,470 રૂમ્સ)
  • જાપાન (16,304 રૂમ્સ)
  • જર્મની (9,027 રૂમ્સ)
  • કેનેડા (2,748 રૂમ્સ)
  • યુકે (2,481 રૂમ્સ)

જો કે, સપ્ટેમ્બરના અંતે પુરા થતા એક વર્ષના તુલનાત્મક ગાળા માટે જોઈએ તો અમેરિકામાં આ વર્ષે 211 પ્રોજેક્ટ્સ પાછા ઠેલાયા હતા, જે ગયા વર્ષના એ જ ગાળા સામે 56 ટકા વધારો દર્શાવે છે. તે ઉપરાંત, 2019ના એ જ ગાળાની તુલનાએ 16 ટકા વૃદ્ધિ સાથે આ વર્ષે 232 પ્રોજેક્ટ્સ પડતા મુકાયા હતા.

સામાન્ય રીતે, જેનો શિલાન્યાસ થઈ ગયો હોય તે પ્રોજેકટ્સ પુરા થતા જ હોય છે – પણ, હવે પ્રોજેક્ટ્સ પડતા મુકાવાનું કે પાછા ઠેલાવાનું પણ વલણ સામાન્ય બનવા લાગ્યું છે અને તેના કારણે પાઈપલાઈનમાં હોય તેવી નવા રૂમ્સની સંખ્યાની ગણતરીને અવળી અસર થાય છે, એમ એસટીઆરના લોજિંગ ઈન્સાઈટ્સના વાઈસ પ્રેસિડેન્ટ જેન ફ્રેટાગે જણાવ્યું હતું. આ તબક્કામાં પ્રોજેક્ટ્સની પ્રગતિ એકંદરે વિકાસલક્ષી પ્રવૃત્તિની ગતિ ધીમી પાડવાની અસર કરી રહી છે, કારણ કે બાંધકામના તબક્કે પહોંચતા પ્રોજેક્ટ્સની સંખ્યાનો પ્રવાહ સાતત્યપૂર્ણ નથી રહેતો. તે ઉપરાંત, હવે નવા પ્રોજેક્ટ્સને પ્લાનિંગના તબક્કેથી આગળ ધપાવીને બાંધકામના તબક્કે લઈ જવાની કોઈને એવી ખાસ કોઈ ઉતાવળ પણ નથી જણાતી અને તેનું કારણ એ છે કે, હોટેલ રૂમ્સની ક્ષમતા માટેની માંગમાં જે રેકોર્ડબ્રેક વધારો 2019માં નોંધાયો હતો, તેવી માંગની તેજી હવે રહી નથી.

છેલ્લી તાજા સ્થિતિ મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં નવી બંધાઈ રહેલી હોટેલ્સમાં 214,704 રૂમ્સની સંખ્યાનો એક રેકોર્ડ હતો અને તેનાથી પણ આગળ વધીને એપ્રિલ મહિનામાં બાંધકામ હેઠળના રૂમ્સની સંખ્યા 220,207ની થઈ હતી. તેની તુલનાએ સપ્ટેમ્બર મહિનામાં બાંધકામ હેઠળના રૂમ્સની સંખ્યા ઘટીને 216,063ની રહી હતી, ઘટાડા છતાં અગાઉના વર્ષની તુલનાએ તે 6.1 ટકાનો વધારો દર્શાવે છે.