રિપોર્ટઃ અમેરિકામાં લેબર ડે અને થેન્કસગિવિંગની રજાઓનું મહત્વ

મોટાભાગના ફરવા નિકળનારા લોકો દરિયાકિનારાના પ્રવાસન સ્થળોએ જવા વિચારે છે

0
881
ઓયો રૂમ્સના મિડ સિઝન ગ્લોબલ હોલિડે ટ્રેન્ડઝ 2021 રિપોર્ટ જણાવે છે કે અમેરિકામાં લેબર ડે, ભારતમાં ગાંધી જયંતિ, યુરોપમાં એસેન્શન ડે અને યુકેમાં સમર હોલિડે એ રજાઓ માણવા માટેના સૌથી વધારે પસંદગીવાળા રજાના દિવસો છે.

સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકો હાલના સમયે રજાઓ માણવાના આયોજનમાં પડ્યા છે. રહેવા માટેના સ્થળની છેલ્લી ઘડીના બુકિંક સહિત ટ્રિપનું આયોજન વગેરે કરવામાં આવી રહ્યું છે તેમ ઓયો રૂમ્સની એકરિપોર્ટમાં જણાવાયું છે. રસીકરણમાં વધારા તથા મોટાભાગના સ્થળોએથી પ્રવાસ પરથી હટી  રહેલા નિયંત્રણોને કારણે ફરવા નિકળનારાઓ પોતાના પ્રવાસ સ્થળે પહોંચવા આતુર બન્યા છે. ખાસ કરીને લાંબા વીકએન્ડને કારણે મોટાભાગના લોકો ફરવા નિકળી પડે છે.

ઓયોના મિડ સિઝન ગ્લોબલ હોલિડે ટ્રેન્ડઝ 2021 રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં લેબર ડે, ભારતમાં ગાંધી જયંતિ, યુરોપમાં એસેન્શન ડે અને યુકેમાં સમર હોલિડે રજાઓ માણવા માટેના આ વર્ષના સૌથી સારા દિવસો છે. આ દિવસોએ રજા માણવા માટે બહોળી સંખ્યામાં લોકો બહાર નિકળી પડશે.

રિપોર્ટ અનુસાર, લેબર ડે, ન્યુયર્સ, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે, મેમોરિયલ ડે અને થેન્કસગિવિંગ એ અમેરિકાના સૌથી વધારે ફરવા નિકળનારાઓ માટેના પ્રિય હોલિડે છે. દરિયા કિનારાના સ્થળો ફરવા નિકળનારાઓ માટેના પ્રિય સ્થળ બની રહ્યા છે, જેમાં સિએટલ અને માયામી જાહેર રજાઓમાં ફરવા જનારાઓના સૌથી પ્રિય સ્થળ બન્યા છે. ત્યાર પછી કેલિફોર્નિયાની નેવાડા સિટી, હ્યુસ્ટન અને ડલાસ પણ ફરવા જનારાઓના પ્રિય ડેસ્ટિનેશન બની રહ્યાં છે.

એએએ ટ્રાવેલ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે થેન્કસગિવિંગ સમયે આ વર્ષે 53.4 મિલિયનથી વધારે લોકો ફરવા નિકળી પડશે, મોટેલ 6 દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર 82 ટકા લોકો માને છે કે રજાઓનો સમય પ્રિય વ્યક્તિઓ સાથે મળીને ગાળવો જોઇએ. અલબત્ત, અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા કરાયેલા અન્ય એક સર્વે અનુસાર અમેરિકામાં 29 ટકા લોકો થેન્કસગિવિંગ અને 33 ટકા લોકો નાતાલ સમયે ફરવા નિકળી પડવાનું આયોજન ધરાવે છે.

ભારતમાં ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર સાથે લોકો ફરવા નિકળી પડે છે. ત્યાર પછી ગણેશ ચતુર્થી અને દશેરા સુધી ઓક્ટોબર સુધી લોકો બહાર ફરવા નિકળી પડે છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતમાં મોટાભાગના લોકો જાણીતા પ્રવાસન સ્થળોએ રજાઓ ગાળવાનું પસંદ કરે છે જેમાં જયપુર, ગોવા, વિશાખાપટ્ટનમ, કોચી અને ઉદેપુર એ તહેવારોમાં ફરવા માટેના પસંદગીના સ્થળ બને છે. જ્યારે ટૂંકાગાળાના પ્રવાસ માટે મોટાભાગના લોકો લોનાવાલા, પોંડિચેરી, શિમલા અને મૈસુર સહિતના સ્થળોએ જવાનું પસંદ કરે છે.

ઓયો રૂમ્સ રિપોર્ટમાં જણાવાયું છે કે એસેન્શન ડે, હેલોવિન, પેન્ટેકોસ્ટ, ઇસ્ટર એ યુરોપમાં રજાઓ માણવા માટેના પસંદગીના પર્વ છે. યુકેમાં મે અને ઓગસ્ટ મહિનામાં આવતા બેન્ક હોલિડે દરમિયાન હોલિડ સિઝન રહે છે. ત્યાર પછી યુકેમાં સમર અને સ્પ્રિંગ સ્કૂલ હોલિડે પણ ફરવા નિકળી જનારાઓ માટેના પસંદગીના સમય છે. લંડન, બાથ, બ્લેકપૂલ, સ્કોટલેન્ડ અને ગ્રેટ યારમાઉથ પણ આ રજાઓના સમયે ફરવા માટેના પસંદગીના સ્થળ બને છે.