હરિકેન લૌરા હ્યુસ્ટન નજીક પટકાય છે, હોટલિયર્સ તૈયાર કરે છે

લોકો કોવિડ-19ની અસરો સામે ઝઝુમી રહ્યા છે ત્યારે જ તેમની સામે વાવાઝોડાનો નવો ખતરો

0
1152
સેટેલાઈટ ફોટોમાં હરિકેન લૌરાના કદ અને તેની ખતરનાક શક્તિનો અંદાજ મળે છે, આ વાવાઝોડું ટેક્સાસના સમુદ્રકાંઠાના વિસ્તારો તરફ આગળ ધપી રહ્યું હતું. હોટેલિયર્સ તેના મુકાબલાની તૈયારી માટે પોતાના જરૂરી વસ્તુઓના પુરવઠાનો સંગ્રહ કરી રહ્યા છે

હરિકેન લૌરા બુધવારે ટેક્સાસ અને લુઈસિયાનાના સમુદ્રકાંઠાના વિસ્તારો તરફ એક અત્યંત શક્તિશાળી વાવાઝોડા તરીકે આગળ વધી રહ્યું હતું. ભૂતકાળમાં અનેક વાવાઝોડા ફૂંકાઈ ચૂક્યા છે તે હ્યુસ્ટન શહેરમાં સ્થાનિક હોટેલિયર્સ એક તરફ તો હજી પણ કોવિડ-19ના વિશ્વવ્યાપી રોગચાળાની મારક અસરો સામે ઝઝુમી રહ્યા છે એવા સંજોગોમાં તેમના માટે બીજી આફતમાંથી પણ પાર ઉતરવાનું આયોજન કરવાનું જરૂરી બન્યું છે.

કાંઠાના વિસ્તારો તરફ આગળ ધપી રહેલું હરિકેન લૌરા કેટેગરી 4નું વાવાઝોડું હોવાનું જણાવાયું હતું અને ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબટ્ટે નાગરિકોને તકેદારીના શક્ય એવા તમામ પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

ગવર્નર એબટ્ટે કહ્યું હતું કે, “હરિકેન લૌરાની વિનાશક શક્તિ અભૂતપૂર્વ છે અને ટેક્સાસના લોકોએ સત્વરે જરૂરી પગલાં લઈ પોતે વાવાઝોડાનો ભોગ બને નહીં તેમજ સલામત રહે તેની તકેદારી રાખવી જોઈએ. આ વાવાઝોડાની વિનાશક શક્તિ એટલી તો ભયંકર છે કે તેની ઝપટે ચડ્યા તો જીવતા રહેવું લગભગ અશક્ય છે. મારી સાઉથ ઈસ્ટ ટેક્સાસના રહેવાસીઓને વિનંતી છે કે, છેલ્લા થોડા કલાકોનો જે સમય છે, તેનો લાભ લઈ પોતાની પ્રોપર્ટીને સુરક્ષિત કરવી, પોતે તેમજ પોતાના પ્રિયજનો સલામત રાખવા બધા જ જરૂરી પગલાં લેવા તથા સૌએ સલામત સ્થળે ખસી જવું.”

તાજેતરમાં જ ગેલ્વેસ્ટનમાં રેડ રૂફ ઈન પ્લસ ખુલ્લી મુક્યા પછી તેની માલિક કંપની વેસાઈડ ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ, હ્યુસ્ટનના પ્રેસિડેન્ટ મિરાજ પટેલે આવા જ પગલાંનું આયોજન કર્યું છે. તેમની આ નવી બિઝનેસ પ્રોપર્ટી હરિકેનનો શિકાર બને તેવી શક્યતા છે. તેઓએ સ્પ્રિંગ સીઝનમાં હોટેલ ખુલ્લી મુકી હતી અને આશા હતી કે ઉનાળાની સીઝનનો લાભ તેઓ લઈ શકશે, પણ કોરોનાવાઈરસના રોગચાળાએ તેમની આશાઓ રોળી નાખી હતી. ફરી વાતાવરણ કઈંક સુધરી રહ્યું હતું અને ઉનાળાની બાકીની સીઝનનો લાભ મળવાની શક્યતા દેખાતી હતી ત્યારે હવે વાવાઝોડું તેના ઉપર પાણી ફેરવી દે તેવું જોખમ છે.

મિરાજ પટેલે કહ્યું હતું કે, “અમારી ગેલ્વેસ્ટન પ્રોપર્ટી ફરજીયાતપણે ખાલી કરાવાઈ રહી છે. આ સ્થિતિ કમનસીબ છે. અગાઉના દિવસે વાવાઝોડું ગેલ્વેસ્ટન તરફ ત્રાટકે તેવી શક્યતા હતી, પછી બુધવારે બ્યુમોન્ટ ઉપર જોખમ જણાયું હતું. મને લાગે છે કે હજી પણ સમગ્ર બ્યુમોન્ટ તથા ગેલ્વેસ્ટન વિસ્તાર ખાલી કરાવાઈ રહ્યો છે.”

યુનિટી હોટેલ્સ ગ્રુપના મેનેજિંગ પાર્ટનર તથા આહોઆના સાઉથ ઈસ્ટ ટેક્સાસ રીજનના ડાયરેક્ટર સાવન પટેલ પણ છેલ્લા થોડા દિવસથી હરિકેન લૌરાનો સામનો કરવા માટે કેટલીક પૂર્વતૈયારીઓ કરી રહ્યા છે.

“અમે એ વાતની તકેદારી લીધી છે કે, અમારી તમામ પ્રોપર્ટીઝમાં જરૂરી વસ્તુઓનો પુરતો જથ્થો સ્ટોક કરાયો હોય, પાણીનો પણ પુરતો જથ્થો પ્રાપ્ય હોય. અમે અમારા ગેસ્ટ્સને પણ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કરાયેલી હવામાનની અપડેટેડ આગાહી તેમજ વાવાઝોડાની સંભવિત અસરો વિષે સતત વાકેફ કરતા રહીએ છીએ,” એમ સાવને વધુમાં કહ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લૌરા પૂર્વ તરફ વળે અને હ્યુસ્ટનને તેની સૌથી વધુ મારક અસરોમાંથી બચાવે એવી પોતે આશા સેવી રહ્યા છે. સાવન પટેલ અને તેમના પિતા હસુભાઈ કોવિડ-19ની આફતમાં તો સાથી હોટેલિયર્સને પણ મદદ કરી જ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું પ્રાર્થના કરૂં છું કે, ગ્રેટર હ્યુસ્ટન વિસ્તારને કોઈ નુકશાન થવાનું હોય તો એ ઓછામાં ઓછું થાય, જેથી હાલની કોવિડ-19ની કટોકટીના કારણે લાંબા ગાળાનું આર્થિક નુકશાન વેઠી રહેલા હોટેલિયર્સને વધુ તકલીફ ના પડે.”

હરિકેન લૌરા અંગે માહિતી ટેક્સાસ હરિકેન સેન્ટર તથા નેશનલ હરિકેન સેન્ટર ખાતે મળી શકે છે. ત્રણ વર્ષ પહેલા ત્રાટકેલા હરિકેન હાર્વેના કારણે હ્યુસ્ટનના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા.