હોટસ્ટેટ્સઃ યુ.એસ. GOPPAR જુલાઈમાં પણ નેગેટિવ જ રહ્યો

જો કે, આ મહિને જુનની તુલનાએ નફાના માર્જીનમાં વધારો થયો

0
1282
અમેરિકાની હોટલ્સ માટેનો GOPPAR જુલાઈમાં 106.7 ટકા નીચો રહ્યો હતો, જે હોટસ્ટેટ્સ ગ્લોબલ પીએન્ડએલ રીપોર્ટ મુજબ $5.59ના દરે નેગેટિવ રહ્યો હતો. TRevPAR જુનની તુલનાએ 29 ટકા વધ્યો હતો, જો કે એક વર્ષ પહેલાની તુલનાએ તે 82.4 ટકા નીચે રહ્યો હતો. અગાઉના મહિનાની તુલનાએ RevPAR વધીને $30 થયો હતો, જે જુન મહિના કરતાં $7 વધારે હતો. તો એપ્રિલ મહિનાના કરતાં તે 230 ટકા વધુ હતો.

હોટસ્ટેટ્સ ગ્લોબલ પીએન્ડએલ ડેટા મુજબ GOPPAR અમેરિકાની હોટેલ્સ માટે જુલાઈ મહિનામાં ઝીરો કરતાં નીચો રહ્યો હતો. આ ક્ષેત્ર માટે થોડા સારા સમાચાર એ રહ્યા કે ગયા મહિનાની તુલનાએ નફાના માર્જીનમાં થોડો વધારો થયો હતો.

જુલાઈ મહિના દરમિયાન અમેરિકામાં કોવિડ-19 ના કેસીઝ વધારા સાથે 70,000ની આસપાસના આંકડે પહોંચ્યા હતા, એમ હોટસ્ટેટ્સે સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના આંકડા ટાંકીને જણાવ્યું હતું. તેના પરિણામે ટ્રાવેલ ઉદ્યોગને થયેલી અસરના પગલે, ગયા વર્ષની તુલનાએ TRevPAR 82.4 ટકા નીચો, છતાં જુનની સરખામણીએ 29 ટકા વધુ, $43.68 રહ્યો હતો. RevPAR ગયા મહિનાની તુલનાએ વધારા સાથે લગભગ $30 રહ્યો હતો, જે $7 ની વૃદ્ધિ દર્શાવે છે. તો એપ્રિલના $8.94 ની સરખામણીએ તો એ 230 ટકાનો વધારો દર્શાવે છે.

હોટસ્ટેટ્સના જણાવ્યા મુજબ GOPPAR જો કે, ઝીરોથી નીચે, $5.59 નેગેટિવ રહ્યો હતો, જે એક વર્ષ અગાઉની તુલનાએ 106.7 ટકાનો ઘટાડો દર્શાવે છે. એ આવકમાં કપાત અને તેની સાથે સંયુક્ત રીતે સતત ખર્ચના આધારનું પરિણામ છે. સતત ખર્ચનો આધાર નાનો છે, છતાં તે છે તો ખરો જ. વાર્ષિક ધોરણે ગણતરીના આધારે લેબરના ખર્ચમાં 72 ટકાનો ઘટાડો થયો હતો, જો કે મે મહિનાની સરખામણીએ જુનમાં તેમાં વધારો થયો હતો. એ દરેક પ્રાપ્ય રૂમ દીઠ $25 નો રહ્યો હતો. એપ્રિલના પર્ફોર્મન્સ ડેટામાં કોવિડ-19ની અસર દેખાવાની શરૂ થઈ ત્યારથી તે આ દરે રહ્યો છે.

હોટસ્ટેટ્સના અહેવાલ મુજબ જુન મહિનાની તુલનાએ હોટેલ્સના નફાના માર્જીનમાં 46 ટકાનો વધારો થવા છતાં એ 12.8 ટકા નેગેટિવ રહ્યા હતા અને આ આંકડા માર્ચ મહિનાથી અત્યારસુધીના શ્રેષ્ઠ છે. એશિયા-પેસિફિક વિસ્તારમાં GOPPAR માં છેલ્લા બે મહિનામાં સતત વૃદ્ધિ નોંધાઈ છે, તેના અપવાદ સિવાય સમગ્ર વિશ્વમાં મોટા ભાગના વિસ્તારોમાં નફાકારકતા નેગેટિવ રહી હતી. આમછતાં, તેમાં દર મહિને થોડો સુધારો જણાય છે.

ગ્લોબલ સ્તરે, હોટેલ ઉદ્યોગની સ્થિતિ પૂર્વવત થવાથી તો ઘણી દૂર છે, છતાં કહેવત અનુસાર અંધારી ગુફાના છેવાડે પ્રકાશનું કિરણ દેખાતું થયું છે, એમ અમેરિકાસ માટેના હોટસ્ટેટ્સના ડાયરેક્ટર ઓફ હોટેલ ઈન્ટેલિજન્સ, ડેવિડ ઐસેને જણાવી વધુમાં કહ્યું હતું કે, ફરી નફાકારક બનવા માટે આવક ઉભી કરવાના અને ખર્ચ ઉપર નિયંત્રણના મિશ્ર પગલાં કાળજીપૂર્વક લેવાની જરૂર છે. હાલના માહોલમાં આપણે જોઈ રહ્યા છીએ કે આવક અને ખર્ચ બન્નેમાં ઘટાડો થયો છે. આશા એવી છે કે, પૂર્વવત્ સ્થિતિ તરફ પાછા વળવાના માર્ગે, આવકમાં વધારો થતો રહે અને હોટેલિયર્સ ખર્ચમાં વધારો નિવારતા રહે. આવું થશે તો જ વધુ ઝડપથી અને ટકાઉપણા સાથે ફરી નફાકારકતા હાંસલ કરી શકાશે.

જુલાઈ મહિના માટેના પીએન્ડએલમાં એસટીઆરના પરિણામો થોડા ઉચાં છે. તેના અહેવાલ મુજબ GOPPAR આ મહિના માટે $5.74 નો થયો હતો, જે ફેબ્રુઆરી પછીનો પહેલો પોઝિટિવ મહિનો હતો. જો કે આમછતાં, તે ગયા વર્ષની તુલનાએ 93.3 ટકા નીચો રહ્યો છે. TRevPAR $60.04 નો હતો, જે ગયા વર્ષની તુલનાએ 74.1 ટકા નીચો છે. જ્યારે નેગેટિવ $9.24ના સ્તરે EBITDA PAR ગયા વર્ષની તુલનાએ 115.1 ટકા નીચો રહ્યો હતો. લેબર ખર્ચ $28.46 નો રહ્યો હતો, જે 64.8 ટકાનો ઘટાડો દર્શાવે છે.