અમારું નાનું સ્વપ્ન હતુંઃ હોટેલિયરની વિધવા

તેમનાં પતિની હત્યા પછી એશિયન અમેરિકન સમૂદાયે તેમને મદદ કરવા રેલીઓ કાઢી હતી

0
1132
યોગેશ અને સોનમ પટેલ પાંચ વર્ષ અગાઉ એક નવદંપતી તરીકે અમેરિકા આવ્યા હતા અને મિસ્સિસિપ્પિના ક્લિવલેન્ડમાં સ્થાયી થયા હતા. તેઓ નાની ડેલ્ટા ઇન મોટેલમાં કામ કરતા હતા. 11 ઓગસ્ટના રોજ યોગેશનું એક વ્યક્તિએ માર મારવાથી મૃત્યુ થયું અને તેમનું ખુશહાલ જીવન ખોરવાયું. એ વ્યક્તિને તેણે થોડા સમય પહેલા જ હોટલમાંથી કાઢ્યો હોવાનું કહેવાય છે.

યોગેશ અને સોનમ પટેલ પાંચ વર્ષ અગાઉ એક નવદંપતી તરીકે અમેરિકા આવ્યા હતા અને તેમનું એક નાનું સ્વપ્ન હતું.

આ અંગે સોનમ કહે છે કે, અમારું જીવન સરળતાથી પસાર થાય ફક્ત એટલું જ અમારું સ્વપ્ન હતું.

તેમણે આ સરળ સ્વપ્ન ન્યૂયોર્ક અને વર્જિનિયામાં પણ જોયું હતું અને અંતે તેઓ ક્લિવલેન્ડમાં સ્થાયી થયા, જ્યાં તેમણે એક નાની મોટેલ ખરીદી હતી. પરંતુ 11 ઓગસ્ટના રોજ તે નાના સ્વપ્નનો અંત આવ્યો. યોગેશે હોટેલમાં કાઢી મુકેલા ગેસ્ટે 45 વર્ષના યોગેશ પર કથિત જીવલેણ હુમલા કર્યો હતો.

હવે 29 વર્ષની સોનલ આજે એવા એક દેશમાં એક વિધવા છે, બહુ થોડા લોકોને ઓળખે છે. હોટેલ પણ નુકસાન કરી રહી છે. હજુ પણ તે એકલી છે. યોગેશના મૃત્યુના સમાચાર હોટેલિયર્સના જૂથે વાંચ્યા હતા અને તેને જીવનમાં આગળ વધવામાં બિઝનેસ દ્વારા મદદ કરી. સોનમનાં નવી શુભેચ્છક અલ્પા પટેલે જણાવ્યું હતું કે, આ સ્ટોરી હૃદયદ્રાવક છે. અલ્પા પટેલ કેલિફોર્નિયાના ઇરવિનમાં સ્પેસીઝના સ્થાપક અને સીઇઓ છે. અલ્પા પટેલે જણાવ્યું હતું કે, તે બે નોકરી કરે છે. તેને દરરોજ એક કે બે રૂમ મળતા હશે, તેને હોટેલમાં આર્થિક નુકસાન થઇ રહ્યું છે અને મને ખાતરી છે કે, અન્ય લોકો પણ આ પ્રકારની ઘટના, હુમલાનો ભોગ બન્યા હશે પરંતુ તેમણે જાણ નહીં કરી હોય.

અલ્પાએ સોનમ માટે ભંડોળ એકત્ર કરવા માટે ફેસબુક પેજ અને ‘ગોફંડમી’ પેજ બનાવ્યા છે. આ બન્ને પેજ દ્વારા મળીને કુલ $60,000 ના ટાર્ગેટ સામે 2 સપ્ટેમ્બર સુધી દરેક પેજ ઉપરથી $15,000 મળી અડધો ટાર્ગેટ – $30,000 એકત્ર કરી શકાયા છે. ટાર્ગેટની રકમ દ્વારા તેમનો ધ્યેય યુવાન વિધવાને નવેસરથી જીવનમાં પગભર બનાવવામાં મદદનો છે. મોટા ભાગનો સપોર્ટ અનેક શહેરોમાં એશિયન અમેરિકન સમુદાય તરફથી મળ્યો છે, તેમાં સોનમને જોબ્સની ઓફરનો પણ સમાવેશ થાય છે. સોનમ સંભવત્ ટેનેસ્સીના મેમ્ફિસમાં શિફ્ટ થવાનું પસંદ કરશે કે પછી કોઈપણ અન્ય સ્થળે, જ્યાં તેને એક સારી હોટેલ જોબ મળી શકે.

આહોઆના રીજનલ ડાયરેકટર્સે યોગેશની અંતિમવિધિનો ખર્ચ ઉઠાવી લેવાની ખાતરી આપી છે, જેથી સત્તાવાળાઓ દ્વારા એકવાર યોગેશનો મૃતદેહ સોંપાય પછી તે કાર્ય સંપન્ન થઈ શકે. પાર્થિવ દેહ રવિવારે કે પછી આગામી સપ્તાહમાં ગમે ત્યારે સોંપાય તેવી શક્યતા હોવાનું અલ્પાએ જણાવ્યું હતું. સોનમ લેઉઆ પાટીદાર સમુદાયની છે અને તે સમાજ, ચરોત્તર પાટીદાર સમાજ તેમજ ભક્ત સમાજના કોમ્યુનિટી ગ્રુપ્સે ગોફંડમી પેજના માધ્યમથી સહાય કરી છે.

આહોઆના ઈસ્ટર્ન ડિવિઝનના મહિલા ડાયરેક્ટર, લીના પટેલે સોનમને ઓહાયોમાં, તો એક અન્ય હોટેલિયરે ટેક્સાસના સાન એન્ટોનિઓમાં સોનમને જોબની ઓફર કરી છે. અલ્પાના જણાવ્યા મુજબ તેઓ હજી મેમ્ફિસમાં કોઈ તક મળે તેની રાહ જોઈ રહ્યા છે, સોનમ હવે ત્યાં શિફટ થવાનું પસંદ કરે છે.

તેણે સોનમને કહ્યું છે કે, “ઘણા લોકો તારી સંભાળ લેવા, કાળજી લેવા તત્પર છે અને કઈંકને કઈંક વ્યવસ્થા થઈ જશે.” યોગેશના માતાપિતા ઈશ્વરલાલ પટેલ અને કંચન પટેલ 2000માં અમેરિકા આવ્યા હતા, તો યોગેશ 2015માં આવ્યો હતો. સોનમ લગ્ન પછી 2016માં આવી હતી. તેઓ થોડો સમય ન્યૂ યોર્કમાં રહ્યા અને ત્યાં હાઉસકીપિંગનું કામ કર્યું હતું. એ પછી એક પરિચિત વ્યક્તિએ તેમને વર્જીનીઆમાં જોબની શક્યતા દર્શાવતાં તેઓ ત્યાં ગયા હતા, પણ એ જોબનો મેળ પડ્યો નહોતો.

અમે ત્યાં રહેતા હતા ત્યારે નિર્ણય લીધો હતો કે, આપણે બીજાને ત્યાં નોકરી નથી કરવી. દુભાષિયાના માધ્યમથી સોનમે વાત કરતાં વધુમાં કહ્યું હતું કે, અમે પૈસા બચાવી ક્લિવલેન્ડ, મિસિસિપ્પીમાં મોટેલ ખરીદવા ઈચ્છતા હતા. યોગેશના માતાપિતાએ તેમને $20,000 ઉધાર આપ્યા હતા, તો તેઓએ બીજા $20,000 કોઈક પાસેથી ઉધાર લઈ ક્લિવલેન્ડની ડેલ્ટા ઈન મોટેલ ખરીદી લીધી હતી.

ક્લિવલેન્ડમાં અમારે કોઈ મિત્રો કે પરિવારજનો નથી, એમ સોનમે જણાવ્યું હતું.

જો કે, અહીં પણ થોડો ભારતીય સમુદાય વસે છે અને તેઓ સોનમને મદદ કરવા તૈયાર છે. સોનમ એક લિકર સ્ટોર અને ગેસ સ્ટેશનમાં જોબ કરતી હતી, જ્યારે યોગેશ હોટેલનું કામકાજ સંભાળતો હતો. તે પોતાની જોબ્સમાંથી જે કમાણી અને બચત કરી હતી, તેમાંથી તેણે હોટેલ માટે ઉધાર લીધેલી રકમમાંથી $5,000 પરત ચૂકવી દીધા છે.

ક્લિવલેન્ડ પોલીસ ડીપાર્ટમેન્ટે યોગેશ પટેલના મોત અંગે કેન્ટારસ વિલિયમ્સની ધરપકડ કરી છે. પોલીસના રીપોર્ટ મુજબ મૂળભૂત રીતે તેમને પટેલની હોટેલ ઉપર એટલા માટે બોલાવાયા હતા કે, વિલિયન્સે ત્યાં ધમાલ કરી હતી અને દરવાજાને નુકશાન કર્યું હતું. હોટેલે તેના પૈસા પરત કરી દીધા હતા અને તેને હોટેલ છોડી જવા જણાવ્યું હતું.

વિલિયમ્સના ગયા પછી યોગેશ રૂમની ચાવી લઈ ત્યાંના ઈલેકટ્રિક ઉપકરણો બંધ કરવા ગયો હોવાનું સોનમે કહ્યું હતું. એ વખતે તેને ખબર નહોતી કે પોતે યોગેશને છેલ્લીવાર જોઈ રહી છે. પોલીસ રીપોર્ટમાં જણાવ્યા મુજબ એક સાક્ષીએ એવું નિવેદન આપ્યું હતું કે, યોગેશ પટેલે ગેસ્ટને કહ્યું હતું કે તેણે હોટેલ છોડીને જવું પડશે. એ તબક્કે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને વિલિયમ્સે યોગેશને બોટલ મારી હતી.

યોગેશને નજીકના જેક્સન, મિસિસિપ્પીમાં યુનિવર્સિટી ઓફ મિસિસિપ્પી મેડિકલ સેન્ટરમાં હવાઈ માર્ગે લઈ જવાયો હતો, ત્યાં જ ઈજાઓના કારણે યોગેશનું મૃત્યુ નિપજ્યું હતું. સોનમને તો આ બધાની પછીથી ખબર પડી હતી.

તેના કહેવા મુજબ “એક કસ્ટમરે કહ્યું હતું કે રૂમ નં. 124માં કોઈ ઝઘડો કરી રહ્યું છે, ત્યારે મેં કહ્યું હતું કે, 124માં બીજું કોઈ નથી, મારા પતિ જ છે. એ પછી પેલા કસ્ટમરે એવું કહ્યું હતું કે, કોઈકે તારા પતિને માર્યું છે.”

ક્લિવલેન્ડ પોલીસ તરફથી રીફોર્મ લોજીંગના પ્રેસિડેન્ટ અને સહસ્થાપક સાગર શાહને માહિતી મળી હતી, તે મુજબ વિલિયમ્સ સામે હોમિસાઈડનો ગુનો નોંધાયો છે અને તેને $500,000ના જામીન ઉપર રખાયો છે. સાગર શાહના હોટેલિયર ગ્રુપે જ આ કેસ વિષે લોકોને જાગૃત કર્યા છે.

શાહના કહેવા મુજબ પોલીસ પાસે કેટલાય સાક્ષીઓ છે, જેમણે ઘટના નજરે નિહાળી હતી. તેઓ આ ખતરનાક અપરાધીને જેલના સળિયા પાછળ જ રાખવા જે કઈઁ કરવું પડશે તે કરશે. અલ્પાના કહેવા મુજબ સોનમ પણ વિલિયન્સનું શું થાય છે તે જોવા માંગે છે. તે ચાહે છે કે, હત્યારાની બાકીની જીંદગી જેલમાં જ જાય.

પોતે બન્ને ક્લિવલેન્ડમાં જે જીવનનો પાયો નાખવા માંગતા હતા એનો તો યોગેશના મૃત્યુના કારણે અંત આવી ગયો છે. સોનમના કહેવા મુજબ તેઓ હોટેલ માટે ઉધાર લીધેલી રકમ ભરપાઈ કરવા માંગતા હતા અને એ પછી પરિવાર વિસ્તારવા ઈચ્છતા હતા, જેથી પોતે પોતાના પરિવાર સાથે કોઈ તાણ કે બોજ વિના જીવન વ્યતિત કરી શકે.

તેમની પાસે કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ નહોતો અને ડેલ્ટા ઈનના ધંધામાં પણ હત્યાની ઘટના પછી મોટો ઘટાડો થયો હતો. સામાન્ય રીતે તેઓને વિકેન્ડમાં 10 થી 12 રૂમ્સના ગ્રાહકો મળતા હતા, પણ તેની સામે છેલ્લા થોડા સમયથી તો સોનમને માંડ એક રૂમ જ ભાડે આપવાની તક મળે છે.

સોનમે નિરાશાના સૂરમાં કહ્યું હતું કે, “હાલમાં તો હું અહીં છું, પણ મને ખબર નથી કે હવે હું શું કરીશ?”