અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેનને સત્તાવાર રીતે વિજેતા-પ્રમુખ જાહેર કરવાના કોંગ્રેસના સંયુક્ત સત્ર દરમિયાન ટ્રમ્પ સમર્થકોએ સંસદભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને હિંસા પર ઉતરી આવ્યા હતા. આ બનાવમાં ચાર વ્યક્તિ મોતને ભેટી હતી. આ બનાવને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી એસોસિએશનો તથા અગ્રણી હોટેલ કંપનીઓ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે અને બનાવની નિંદા કરવામાં આવી હતી. હોટેલ્સ તથા અન્ય કંપનીઓ તથા ઉદ્યોગો દ્વારા ફેડરલ સરકાર પાસેથી કોવિડ-19 મહામારી દરમિયાન માંદા પડેલા અર્થતંત્રને બેઠું કરવા અસરકારક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી તે દરમિયાન આ વિક્ષેપ પડ્યો હતો.
યુએસએ ટુડે અનુસાર બુધવારે થયેલા તોફાનોમાં ચાર વ્યક્તિનાં મોત થયાં હતાં, જેમાં એક મહિલાનું મોત યુએસ કેપિટલ પોલીસ દ્વારા હિંસા પર ઉતરી આવેલા ટોળાંને કાબુમાં લેવા કરાયેલા ગોળીબાર દરમિયાન થયું હતું. અન્ય ત્રણનાં મોત સારવાર દરમિયાન થયા હતા, જ્યારે બાવન લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું. હજારોની સંખ્યામાં તોફાનીઓ ઈમારતના પોલીસ સુરક્ષા ઘેરા સુધી પહોંચી ગયા હતા. તેમણે કોંગ્રેસને બહાર નિકળી જવાની માંગણી સાથે દેખાવો કર્યો હતો. ટોળાંએ કરેલા તોફાનને કારણે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.
ગુરુવારે સવાર સુધી જ્યારે સમગ્ર ઈમારત સુરક્ષિત કરી લેવામાં આવી ત્યાર પછી સત્તાવાર જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અનેક સેનેટરોએ બનાવ તથા ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી જીદને પોતનો ટેકો જાહેર કર્યો હતો. તો કેટલાકે તેની સામે વિરોધ પણ નોંધાવ્યો હતો. ટ્રમ્પ સમર્થકોએ તોફાન કર્યા પછી તથા પરિણામની સત્તાવાર જાહેરાત પછી ઘણાંએ પોતાનો મત દર્શાવ્યો હતો.
બનાવ સંદર્ભે આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટેટન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે રાજકીય મતભેદોને ધ્યાનમાં લીધા વગર તેઓ દેશની સંસદ પર થયેલા આ બનાવની નિંદા કરે છે તથા તેને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આવા બનાવને લોકશાહીમાં કોઇ સ્થાન નથી તેમ પણ તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે આજના હિંસા અને વિનાશના આ બનાવને આપણા સમાજમાં કોઇ સ્થાન નથી અને આવા બિન-અમેરિકન કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ. દેશ હિતમાં સત્તાની સોંપણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ થવી જોઇએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઇઓ રોજર ડાઉએ પણ આ બનાવને વખોડી કાઢ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આપણે નિહાળેલા હિંસાપૂર્ણ બનાવને આપણી શાંતિપ્રિય લોકશાહીમાં કોઇ સ્થાન નથી. દેશમાં આવા બનાવ લોકશાહીનાં સિદ્ધાંતોનું ભંગ કરે છે. તેમણે ઉમેર્યું કે માત્ર વોશિંગ્ટન જ નહીં પણ દેશના દરેક ભાગમાં આવી ઘટનાની તેઓ નિંદા કરે છે.
મેરિયટ ઈન્ટરનેશનલ દ્વારા તેની પોલિટિકલ એક્શન કમિટી તરફથી અપાતા દાન પર રોક લગાવી દેવામાં આવી છે. જો બાઇડેનને સત્તાવાર વિજેતા જાહેર કરવાની પ્રક્રિયા દરમિયાન જે કોંગ્રેસી સભ્યોએ વિરોધ નોંધાવી તેની વિરૂદ્ધમાં મતદાન કર્યું તેવા કોંગ્રેસ સભ્યોને મળનારા દાન પર મેરિયટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે, તેમ કંપનીની પ્રવક્તા કોની કિમ દ્વારા જણાવાયું હોવાનો દાવો રોયટર્સના એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. મેરિયટના પ્રેસિડેન્ટ અને સીઈઓ આર્ને સોરેનસન દ્વારા પણ આ બાબતે કંપનીની વેબસાઇટ પર એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.
સોરેનસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મને ખબર છે કે અમેરિકાની ચૂંટણીના પરિણામો સંદર્ભે દરેકના જુદા જુદા મંતવ્ય હતા. વૈચારિક મતભેદવાળા ગ્રાહકને પણ આપણે સેવા આપીએ છીએ. પણ સંવિધાન સાથેની છેડછાડ કોઇપણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તોફાનો કરવા હિંસા ફેલાવવી એ કોઇ એજન્ડા નથી.
આહોઆ અને યુએસટીએ દ્વારા અગાઉ પણ ફેડરલ સરકાર દ્વારા ક્ષેત્ર તરફ ધ્યાન આપવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું. જેમાં પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામનો સમાવેશ થાય છે. નાતાલ અગાઉ 900 બિલિયન ડોલરનું રિલિફ બિલ પણ સંસદમાં પસાર કરીને મંજૂર કરવામાં આવ્યું છે.
તંત્રીની નોંધઃ મેરિયટના નિવેદનનો સમાવેશ કરવા માટે પ્રસ્તુત લેખમાં તેના મૂળ લેખનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.