ગેસ્ટ સાથેની તકરાર બાદ કનેક્ટિકટના હોટેલમાલિકની હત્યા

જેશન ચૌધરી, 30, ગત વર્ષ તથા તાજેતરમાં એશિયન અમેરિકન હોટેલ માલિકોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં છેલ્લે તેઓ ભોગ બન્યા.

0
934
કનેક્ટિકટના વેરનોન ખાતે મોટેલ 6માં રવિવારે ગોળીબારની ઘટના બની, જેમાં હોટેલના માલિક, 30 વર્ષીય જેશન ચૌધરીની હત્યા થઇ હતી, તેમ લોકલ ન્યુઝ સ્ટેશન ડબલ્યુએસ-એસબી-ટીવીના અહેવાલમાં દાવો કરાયો છે. ચૌધરી અને ગેસ્ટ વચ્ચે 10 ડોલરના પૂલ પાસ અંગે તકરાર થઇ અને આખરે તેમની પર ગોળીબાર થયો.

અમેરિકામાં વધુ એક હોટેલ માલિકની ગેસ્ટ સાથેની તકરારમાં હત્યા થઇ છે. વેરનોન, કનેક્ટિકટ ખાતે આવેલી મોટેલ 6ના યુવા માલિક જેશન ચૌધરીએ ફક્ત 10 ડોલરના પૂલ પાસની તકરારમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તાજેતરમાં અમેરિકામાં એશિયન અમેરિકન હોટેલ માલિકો પર તેમની જ હોટેલમાં હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે.

ચૌધરીની હત્યાની ઘટનાની નોંધ આહોઆ દ્વારા તથા ઓનર એડવોકેસી ગ્રુપ રીફોર્મ લોજિંગ દ્વારા લેવાઇ છે અને આ બાબતે પગલાં લેવા રજુઆત કરવામાં આવશે.

રવિવારે ચૌધરીની એક મહિલા ગેસ્ટ સાથે હોટેલમાં 10 ડોલરના મૂલ્યવાળા પૂલ પાસ બાબતે તકરાર થઇ હતી અને તે સમયે મહિલાના 31 વર્ષીય બોયફ્રેન્ડ એલ્વીન વોઘ (હાર્ટફોર્ડ, કનેક્ટિકટ) સાથે હતો તેમ લોકલ ન્યુઝ સ્ટેશન એનબીસીસી કનેક્ટિકટમાં જણાવાયું હતું. ચૌધરીએ આ કપલને હોટેલ છોડી દેવા જણાવ્યું હતું અને આ કપલ પૂલ એરીયો છોડીને પોતાના રૂમમાં જતું રહ્યું હતું. થોડીવાર બાદ મહિલાનો બોયફ્રેન્ડ ગન સાથે આવ્યો અને ચૌધરી સાથે ફરી ઉગ્ર દલીલબાજી શરૂ કરી હતી. તેણે મોટેલમાલિક ચૌધરી પર ઉપરાઉપરી ગોળીબાર કર્યો હતો તેમ અરેસ્ટ રીપોર્ટમાં જણાવાયું છે.

મહિલા ગેસ્ટના બોયફ્રેન્ડ સામે હત્યાનો ગુનો, હથિયારનો ગુનાહિત ઉપયોગ, અપરાધ માટે હથિયારનો ઉપયોગ, મંજૂરી વિના હથિયાર રાખવા સહિતના ગુના નોંધાયા છે.

તેને સોમવારે કોર્ટમાં રજુ કરાયો હતો જ્યાં જજે તેને બે બિલિયન ડોલરના બોન્ડ પર રાખવા આદેશ કર્યો હતો.

આ બાબતે આહોઆના વચગાળાના પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન ગ્રીનીએ એક નિવેદનમાં ચૌધરી પર થયેલા ગોળીબારની ઘટનાને દુઃખદ ગણાવી હતી.

“ફક્ત દસ ડોલરના પૂલ પાસ માટે જીવ લઇ લીધો, આવા હિંસક હુમલા ક્યારે અટકશે” તેમ ગ્રીનીએ જણાવ્યું હતું. અમારા સભ્યોની કે અન્ય કોઇની પણ હોટેલોમાં નફરતને કોઇ સ્થાન નથી,

આ બાબતે રીફોર્મ લોજિંગના પ્રેસિડેન્ટ અને કો-ફાઉન્ડર સાગર શાહે જણાવ્યું હતું કે આડેધડ થતા ગોળીબારની ઘટનાએ હોટેલ માલિકો તથા કર્મચારીઓ સાથેના વધતા જોખમનું નવું ઉદાહરણ છે.

તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં અમેરિકામાં હોટેલ માલિકો પર તેમની જ હોટેલમાં થનારા હુમલાઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.

માર્ચમાં ઉષા અને દિલિપ પટેલ પર એલ્કટન, મેરીલેન્ડમાં તેમની જ હોટેલમાં ગેસ્ટ સાથેની તકરારમાં બંદૂકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઉષા પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અને દિલિપભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગત ઓગસ્ટમાં મિસિસિપીના ક્લેવલેન્ડમાં હોટેલમાલિક યોગેશ પટેલ પર પણ હુમલો થયો હતો. ગેસ્ટ દ્વારા તેમને એટલો માર મારવામાં આવ્યો કે તેમનું મૃત્યુ થયું.