નવા કોવિડ-19 વરિયન્ટ ઓમિક્રોનને કારણે થેન્કગિવિંગની રજાઓમાં દરમિયાન પ્રવાસ નિયંત્રણો લાદવામાં આવે તેવી સંભાવના વધી રહી છે. તેને કારણે સમગ્ર પ્રવાસન ઉદ્યોગમાં પણ ચિંતા વ્યાપી છે. જોકે મોટાભાગનું માનવું છે કે નિયંત્રણો મુકાયા પછી પણ આ નવા વરિયન્ટના વધતા સંક્રમણને અટકાવવું શક્ય નહીં બને.
નવેમ્બર 26ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઓમિક્રોન વરિયન્ટ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ગત સપ્તાહે સાઉથ આફ્રિકામાં આ નવા વરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયા પછી સમગ્ર વિશ્વમાં તેને લઇને ચિંતા વધી છે. સંશોધકો વર્તમાન સમયે ઉપલબ્ધ રસી સામે આ નવા વરિયન્ટના ફેલાવાના તથા તેની ગંભીર અસર વગેરે અંગે અભ્યાસ કરી રહ્યાં છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ અંગે એક નિવેદનમાં જણાવાયું છે કે ઓમિક્રોન વરિયન્ટને કારણે (જે લોકોને અગાઉ કોરોના થયું હોય તેમને આ નવા વરિયન્ટનું સંક્રમણ ઝડપથી થવાની સંભાવના છે) સાવચેત રહેવાની જરૂર છે.
ઓમિક્રોનના સંક્રમણના ફેલાવાને લઇને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સરકારોને નવા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જેમાં સંક્રમણના ફેલાવા અને દર્દીઓની વધતી સંખ્યા પર નજર રાખવા ભાર મુકાયો છે.
દેશોએ પોતાના ત્યાં જાહેર આરોગ્ય માપદંડોનો કડક અમલ વધારીને કોવિડ-19 સંક્રમણને વધતું અટકાવવા પગલાં લેવાની તાકિદે જરૂર છે, તેમ પણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જણાવાયું હતું.
શુક્રવારે પ્રેસિડેન્ટ જો બાઇડન તંત્ર દ્વારા આ અંગે પગલાં લઇને વિદેશથી અને ખાસ કરીને સાઉથ આફ્રિકાના દેશો તથા અન્ય આફ્રિકન દેશોમાંથી આવનારા પ્રવાસીઓ પર નિયંત્રણો જાહેર કરી દીધા છે. પ્રેસિડેન્ટના ચીફ મેડિકલ એડવાઇઝર ડૉ.એન્થનીએ પ્રેસિડેન્ટને આ નવા વરિયન્ટના સંક્રમણના ફેલાવા તથા ગંભીરતા અંગે માહિતગાર કર્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હાલના સમયે કોરોના સામે રક્ષણ આપવા લેવાતી રસી આ નવા વરિયન્ટ સામે આંશિક રક્ષણ આપી શકે તેમ છે, તેમ પણ વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન ખાતેના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ એન્ડ પોલિસી ટોરી એમર્નસન બાર્ન્સે કહ્યું હતું કે દેશમાં વિદેશથી આવનારાઓને લઇને નિયંત્રણો હેઠળના પગલાં લેવાની જરૂર છે.
બાર્ન્સે કહ્યું હતું કે કોવિડ વરિયન્ટ તરફ ધ્યાન આપવું જરૂરી છે, જોકે સરહદો બંધ કરી દેવાથી અમેરિકામાં તેના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેમ માનવું અતિશયોક્તિભર્યું છે. તેને કારણે જ અમેરિકાની ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એટલે જ કહે છે કે વધુમાં વધુ લોકોએ રસી લેવાની જરૂર છે. નવા વરિયન્ટને કારણે આવનારા સમયમાં જાહેર આરોગ્યને લઇને ગંભીર પરિણામ આવી શકે તેવી સંભાવના છે.
ગ્લોબલ રેસ્ક્યુ ટ્રાવેલ સેફ્ટી કન્સલ્ટીંગ ફર્મના સીઈઓ અને યુ.એસ. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એડવાઇઝરી બોર્ડ તથા વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના સભ્ય એવા ડેન રીચર્ડ્સ કહે છે કે તંત્રને આ અંગે પગલાં કે નિર્ણય લેતા પહેલા વધારે માહિતી મેળવવી જોઇએ.
હાલના સમયે એવી કોઇ માહિતી સામે નથી આવી કે નવુ વરિયન્ટ ડેલ્ટા વરિયન્ટ જેવું જોખમી કે હાનિકારક છે અને અગાઉ જેમને સંક્રમણ થયું છે અથવા વેક્સિનેશનવાળા લોકોને તેનાથી કેટલું જોખમ છે., તેમ રિચર્ડસને કહ્યું હતું.
ગત મહિને ગ્લોબલ રેસ્ક્યુના સર્વેમાં જણાયું હતું કે મોટાભાગના લોકો પ્રવાસ દરમિયાન સલામતીને લઇને ઓછા ચિંતિત થઇ રહ્યા છે. મોટાભાગના લોકોએ રસી મુકાવી લીધી છે અથવા તેઓ કોવિડ-19 સંક્રમણથી સાજા થયા છે.