કોવિડ-19 રોગચાળાને કારણે અમેરિકાની મુસાફરી કરનારાઓ પર અનેક પ્રકારના કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જોકે હાલમાં 24 વેપારી સંગઠન દ્વારા એક ગઠબંધન રચીને સરકારને રજુઆત કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરીના પ્રતિબંધો દૂર અથવા હળવા કરવામાં આવે. આ ગઠબંધનમાં યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન પણ સામેલ છે. તાજેતરમાં યુએસટીએ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય મુસાફરી પરના નિયંત્રણો દૂર કરવામાં આવે પરંતુ તેની રજૂઆતને કોઇ પ્રતિસાદ મળ્યો નથી.
“અ ફ્રેમવર્ક ટુ સેફ્લી લિફ્ટ એન્ટ્રી રીસ્ટ્રીક્શન્સ એન્ડ રીસ્ટાર્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ” નામની બ્લ્યુપ્રિન્ટમાં જ રીઓપનિંગ માટેની ગાઇડલાઇન્સની માંગણી જોવા મળે છે. તેમણે માંગ કરી છે કે જે જ્યાં સંક્રમણનું સૌથી વધારે જોખમ હોય ત્યાના મુસાફરો પર પ્રતિબંધ ભલે મુકાય પરંતુ જ્યાં જોખમ ઓછું છે તેવા દેશના આંતરરાષ્ટ્રીય મુસાફરોને અમેરિકામાં નિયમ અનુસાર પ્રવેશવા દેવાની મંજૂરી આપવી જોઇએ. આ બાબતે યોગ્ય માળખુ ઘડવા તેમણે માંગણી પણ કરી છે.
“યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડોવે કહ્યું હતું કે તેમાં કોઇ શંકા નથી કે વિજ્ઞાન જણાવે તે અનુસાર કામ કરવું જોઇએ, પરંતુ તે વિજ્ઞાનને જ આધાર બનાવીને ફરીથી તબક્કાવાર ખોલવા અંગે પણ વિચારવાની જરૂર છે. ખાસ કરીને સલામતી આધારિત આંતરરાષ્ટ્રીય મુસાફરી ફરીથી શરૂ કરવી જોઇએ.
જેમ કે, યુએસટીએ ઇચ્છે છે કે અમેરિકન સરકાર અમેરિકા અને યુકે વચ્ચેના આંતરરાષ્ટ્રીય મુસાફરીના નિયંત્રણો તાત્કાલિક હઠાવી લે કારણ કે માયો ક્લિનિકના આંકડા દર્શાવે છે કે યુકેથી અમેરિકા આવનારા 10,000 મુસાફરોમાંથી ફક્તને કોવિડ-19નું સંક્રમણ હોવાનું જોખમ રહે છે. અમેરિકા આવનારા યુકેના મુસાફરોની ફ્લાઇટમાં આવી સંક્રમિત વ્યક્તિ દ્વારા સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ હાલના તબક્કે ઓછું હોવાનું તેમનું માનવું છે.
ઓછું જોખમ ધરાવનારા દેશોમાં રસી લેનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને પણ અમેરિકામાં પ્રવેશવા દેવાની માંગ ઉઠી છે.
કેનેડા, યુરોપિયન યુનિયન અને યુકે વચ્ચે પ્રવાસ નિયંત્રણો મુકવાને કારણે અમેરિકાના અર્થતંત્રને 1.5 બિલિયન ડોલર કરતાં વધારેનું નુકસાન થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે. આ રકમથી 10,000 અમેરિકન નાગરિકોને નોકરી આપી શકાય તેમ છે. એપ્રિલમાં વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ દ્વારા એક અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને અંદાજે 4.5 ટ્રીલિયન ડોલર કરતાં વધારેનું નુકસાન 2020 પછી સમગ્ર વિશ્વમાં નિયંત્રણો અમલ શરૂ થયા પછી થયું છે.
તેમણે એવી પણ માંગણી કરી છે કે રસીકરણની કામગીરી પણ સતત ચાલુ રાખવાની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ લાગૂ કરીને વાયરસના સંક્રમણથી અમને બચાવી શકાય તે કોઇ તર્ક નથી. આંતરરાષ્ટ્રીય મુસાફરી પરના નિયંત્રણો તબક્કાવાર અથવા તાત્કાલિક અસરથી દૂર કરવા જોઇએ જેથી અહીંના ટ્રાવેલ ઉદ્યોગને રાહત મળી શકે.