રસી લેનારાઓને માસ્ક પહેરવાથી મુક્તિ, CDC એ કરી જાહેરાત

આહોઆએ કહ્યું કે હોટલિયર્સ નવી માર્ગદર્શિકાને આવકારે છે, જ્યારે એક નિષ્ણાંત વધુ સ્પષ્ટતાનો આગ્રહ રાખે છે

0
826
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડને ગુરુવારે પહેલીવાર જાહેરમાં પોતાનો માસ્ક ઉતારી બાજુમાં મુકીને જાહેરાત કરી હતી કે જે નાગરિકોએ રસીના બે ડોઝ લઇ લીધા છે તેમને માસ્ક પહેરવાથી મુક્તિ મળે છે અને તે અંગેની માર્ગદર્શિકા સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા જાહેર કરવામાં આવી છે. રસીના બન્ને ડોઝ લેનારાઓને હવેથી માસ્ક પહેરવાની તથા સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની જરૂર નથી. તસવીરઃ એલેક્સ વોન્ગ/ગેટ્ટી ઇમેજીસ.

સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર જેમણે પણ કોવિડ-19 સામે રક્ષણ આપતી રસીના બે ડોઝ લઇ લીધા છે તેમને હવે ઘરે કે જાહેરમાં માસ્ક પહેરવાની જરૂર નથી. છેલ્લાં ઘણાં સમયથી આવા પગલાંની રાહ જોનાર હોટેલ ઉદ્યોગ દ્વારા આ નવી માર્ગદર્શિકાને આવકારવામાં આવી છે.

વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસિડેન્ટ જો બાઇડને માસ્ક પહેર્યા વગર ગુરુવારે આયોજીત પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. બાઇડને આ જાહેરાતને સિમાચિહ્નરૂપ ગણાવી જણાવ્યું હતું કે આવનારા સમયમાં 60 ટકા પુખ્તવયોને રસીનો કમસેકમ એક ડોઝ આપી દેવાયો હશે.

“તમે જાણો છો, કેટલાક લોકોનું માનવું હતું કે અમે આ નહીં કરી શકીએ – જ્યાં સુધી આપણે દરેકને રસી ના આપીએ – તો કદાચ 2021નું સાલ પણ અગાઉના વર્ષની જેમ ખોરવાઇ જશે,” તેમ બાઇડને જણાવ્યું હતું. અમે સાબિત કર્યું છે કે શંકા કરનારાઓ ખોટા હતા તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

હોટેલિયર્સ આ નવી માર્ગદર્શિકાને આવકારે છે તેમ આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટાટને એક નિવેદનમાં જણાવ્યું હતું.

“અમે એ લોકોના ખૂબ આભારી છીએ કે જેમણે કોવિડ-19 સામેના રસીકરણ અભિયાનમાં ભાગ લઇને દેશને આ બાબતે મદદ કરી છે. હમણાં સુધી રસી નહીં લેનારા અને રસી લેવાની પાત્રતા ધરાવનારાઓને અમે રસી માટે પ્રોત્સાહિત કરીશું કે તેઓ જેમ બને તેમ વહેલી તકે રસી લઇ લે, તેમ સ્ટાટને જણાવ્યું હતું. છેલ્લાં બે અઠવાડિયા દરમિયાન કોવિડ-19ના કેસોમાં 30 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે અને આપણે હવે આ વાયરસને નાથવાના વળાંકે પહોંચી ગયા છીએ. તેમ છતાં તેનો અર્થ એ નથી કે આપણે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ ગયા છીએ. તે જરૂરી છે કે લોકો હજુ પણ જ્યાં જરૂરી છે ત્યાં માસ્ક પહેરી રાખે અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરે અને રસીકરણનો પ્રચાર કરે.

માર્ચ મહિનામાં, આહોઆએ એક કાર્યક્રમ જાહેર કર્યો હતો જેમાં સામેલ હોટેલ માલિકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પોતાના દરેક કર્મચારીઓને રસી લેવડાવશે.

જોકે સીડીસીની આ નવી માર્ગદર્શિકા સામે કેટલાક પ્રશ્ન પણ થઇ રહ્યાં છે. સીએનએનના મેડિકલ એડવાઇઝર ડૉ.સંજય ગુપ્તાએ સીએનએનને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું કે સીડીસી દ્વારા આ બાબતે એક ગંભીર ભૂલ કરવામાં આવી છે. ગુપ્તાએ કહ્યું હતું કે આ બાબતે વધારે સ્પષ્ટતાની જરૂર છે કારણ કે જેમણે રસી લીધી નથી તેમને કેવી રીતે સુરક્ષિત રાખી શકાશે.

સીડીસી દ્વારા આ બાબતની માર્ગદર્શિકા પોતાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે રસી લેનારા લોકોએ હજું પણ કામના સ્થળે કે સ્થાનિક સ્તરે માસ્ક પહેરવાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે અને જાહેર પરિવહન કે હવાઇ મુસાફરી વખતે પણ તેમણે માસ્ક પહેરવું પડશે.