વિવિધ સંગઠનોએ ચૂંટણી જીતવા બદલ બાઇડનને અભિનંદન આપ્યા

આહોઆ અને ઉસ્ટા દ્વારા કોવિડ-19 માટે રાહત પેકેજ જાહેર કરવાની વિનંતી કરવામાં આવી

0
1004
અમેરિકામાં મોટાભાગના મીડિયાએ 2020ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં શનિવારે જો બાઇડનને વિજેતા જાહેર કર્યાં છે. આહોઆ અને યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા નિવેદનો જાહેર કરીને તેમને અભિનંદન આપવાની સાથે નવી ફેડરલ સરકાર કોવિડ-19 રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી પણ કરી છે.

અમેરિકામાં 2020 રાષ્ટ્રપતિપદની યોજાયેલી ચૂંટણીમાં પેન્સિલવેનિયા રાજ્યમાં નિર્ણાયક જીત માટેના મતો મળતા ભૂતપૂર્વ ઉપપ્રમુખ જો બાઇડન કે જેઓ આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા તેમને અમેરિકાના મોટાભાગના મીડિયા દ્વારા વિજેતા જાહેર કરીને પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકે સ્વીકારી લીધા છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ ચૂંટણીના પરિણામો સ્વિકારવાનો ઇન્કાર કરવા છતાં અમેરિકાના મોટાભાગના મતદારોએ પરિણામનો સ્વિકાર કર્યો છે. જેમાં મોટી હોટેલ, ઉદ્યોગ, સંગઠનો દ્વારા પણ આવકાર આપીને ફેડરલ સરકાર ફરીથી કામે ચઢે તેવી લાગણી વ્યક્ત કરી છે.

એસોસિએટેડ પ્રેસના જણાવ્યા પ્રમાણે વિજેતા થયા બાદ બાઇડન દ્વારા તેમની મીડિયા સમક્ષની પ્રથમ સ્પીચમાં પણ આ જ મુદ્દો આવરી લેવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ જેમ બને તેમ જલ્દી અમેરિકા કામે ચઢે અને અમેરિકાની આત્મા એટલે કે તેમનો ઉદ્યોગ, ધંધો, રોજગાર ફરી એકવાર સમગ્ર વિશ્વમાં પ્રથમસ્થાને રહે અને ઘરઆંગણે સહુ કોઇને એક રાખવાનું કામ તેમની સરકાર કરશે.

આહોઆના પ્રમુખ અને સીઈઓ સેશીલ સ્ટેટન દ્વારા શનિવારે બાઇડનને અભિનંદન પાઠવીને નવી સરકાર માટે કઇ કઇ અગ્રતા છે તેની યાદી પણ જણાવી હતી.

તેમણે કહ્યું કે આહોઆના 20 હજાર હોટેલ માલિકો વતી તેઓ પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડન અને વાઇસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવામાં સફળ થાય. એની સાથે સાથે પ્રવાસન ઉદ્યોગ પણ ફરીથી ધમધમતું થાય અને આપણું અર્થતંત્ર ફરીથી પાટા પર આવે, એમ પણ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર નાના બીઝનેસ માલિકોને આપેલા વચનો માટે ચોક્કસપણે કામ કરશે. ખાસ કરીને જેમણે મહામારી દરમિયાન અસર થઈ છે તેમને બેઠા કરવા માટે નવી સરકાર કામ શરૂ કરશે. અમેરિકાના હોટેલ માલિકો બાઇડન સરકાર સાથે કામ કરવા માટે તત્પર છે અને તેમની સરકાર નાના બીઝનેસને મદદ કરવા નેતૃત્વ ધારણ કરે જેથી હાલની કટોકટીમાંથી નાના ઉદ્યોગો પણ રાહત મેળવી શકે.

યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા પણ નવા પ્રેસિડેન્ટ ઈલેક્ટને મિશ્ર અભિનંદન આપવામાં આવ્યા હતા.

ઉસ્ટાના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડાઉ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે પ્રેસિડેન્ટ ઈલેક્ટ બાઇડનના એ વિષયોને અભિનંદન આપીએ છીએ કે જેમાં તેમણે મહામારીથી અસર પામેલા ઉદ્યોગોને મદદ કરવાનું વચન આપ્યું છે. પ્રવાસન ઉદ્યોગને પણ તેની અસર થઈ છે અને અમેરિકાના બેરોજગારીના દરમાં ત્રીજો ભાગ પ્રવાસન ઉદ્યોગનો રહ્યો છે. નવી સરકાર પ્રવાસન ઉદ્યોગ માટે રાહત અને અન્ય આર્થિક પેકેજ જાહેર કરે જેથી અમેરિકાના સર્વગ્રાહી અર્થતંત્રને વેગ મળે. તેમણે એમ પણ કહ્યું કે પ્રેસિડેન્ટ ઈલેક્ટ દ્વારા કોવિડ-19 મહામારી રોકવા જે ભાર મુકવામાં આવ્યો છે તેને અનુમોદન આપીએ છીએ કેમ કે આ મહામારી પર નિયંત્રણ આવશે ત્યારે આર્થિક વૃદ્ધિનું નિર્માણ થશે. આરોગ્ય અને સલામતી સાથે સમાધાન કર્યા સિવાય પ્રવાસન ઉદ્યોગ ફરીથી શરૂ થઈ શકે તેમ નથી. ગ્રાહકોની સુરક્ષા માટે ઝડપી અને વિશ્વસનીય ટેસ્ટીંગની સુવિધા મોટાપ્રમાણમાં ઉપલબ્ધ થશે તો જ સર્વગ્રાહી રીતે આર્થિક દ્વાર ખુલશે.

ચૂંટણી દરમિયાન જે મતો ગણવામાં આવ્યા તેમાં કેટલાક રાજ્યોમાં હજુ પ્રમાણિત મતો જાહેર થતાં સમય લાગશે, તેમ છતાં રવિવારે સત્તાવાર વોટ ગણતરીમાં બાઇડનને 279 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે, જે રાષ્ટ્રપતિપદ જીતવા માટે 270 કરતાં વધારે છે.