આહલા: આ વર્ષે રોગચાળાથી 500,000 લોકોએ નોકરી ગુમાવી

આહલા ફાઉન્ડેશન સહિતના સંગઠનો દ્વારા હવે ‘હોટેલ્સ આર હાયરિંગ’ જાહેરાત અભિયાન

0
943
ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન અને આહોઆ દ્વારા તાજેતરમાં વર્ચ્યુઅલ એકશન સમિટ યોજાઈ હતી, જેનો હેતુ કોંગ્રેસને વધારે હોટેલમાં નોકરીઓની તકો સર્જવા માટે મદદરૂપ થવા માટેનો હતો. આહલાને જાણવા મળ્યું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે આ વર્ષે 500,000 હોટેલ ઓપરેશન નોકરીઓ ખાલી પડી છે જે હજુ ભરાઈ નથી, તેથી તેણે ‘હોટેલ્સ આર હાયરિંગ’ એડ કેમ્પેઇન શરૂ કર્યું છે. જેનો હેતુ ઇન્ડસ્ટ્રીમાં 100,000 નોકરીઓ ભરવાનું છે.

રોગચાળાને કારણે આ વર્ષે અંદાજે 500,000 જેટલી હોટલ ઓપરેશન નોકરીઓ ખાલી પડી છે એટલે કે એટલા લોકોએ નોકરી ગુમાવી છે અને આ વર્ષના અંત સુધીમાં તે ફરી ભરાય તેવી શક્યતા પણ નથી તેમ ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા તાજેતરમાં પોતાના એક અહેવાલમાં જણાવાયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આહલા દ્વારા ‘હોટેલ્સ આર હાયરિંગ’ એડ કેમ્પેઇન શરૂ કરાયું છે. જેનો હેતુ ઉદ્યોગમાં 100,000 નોકરીઓ ફરી ભરવાનો છે.

અમેરિકાની હોટેલો માટે તાજેતરમાં શરૂ થયેલી મુસાફરીને કારણે પરિસ્થિતિ સુધરી શકે તેમ છે પરંતુ તાજતેરના આહલાના ઇકોનોમિક પૃથકરણમાં જાણવા મળ્યું છે કે રોગચાળા પૂર્વેની પરિસ્થિતિએ પહોંચવામાં ઉદ્યોગને લાંબો સમય લાગી શકે તેમ છે. તેમાં પણ ખાસ કરીને શહેરી બજારો પાછળ રહ્યાં છે.

હોટેલ ઓક્યુપન્સીમાં 2019ની સરખામણીએ 10 ટકાનો ઘટાડો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રૂમ રેવન્યુમાં આ વર્ષે 2019ની સરખામણીએ 44 બિલિયન ડોલરનો ઘટાડો અંદાજવામાં આવ્યો છે. સ્ટેટ અને લોકલ સત્તાધિશોને પણ હોટેલ ઉદ્યોગ તરફથી કર પેટે મળતી અંદાજે 20 બિલિયન ડોલર જેટલી આવક ગુમાવવી પડી છે. આહલા અને આહોઆ દ્વારા આ પરિસ્થિતિ સંદર્ભે તાજેતરમાં એક ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 20થી 22 જુલાઈ સુધી યોજાયેલ આ વર્ચ્યુઅલ મીટીંગમાં સમગ્ર દેશમાંથી હોટેલમાલિકોની સાથે કોંગ્રેસના સભ્યોએ પણ ભાગ લઇને મદદ માટે રજુઆત કરી હતી.

આ અંગે આહલાના સીઈઓ અને પ્રેસિડેન્ટ ચીપ રોજર્સ કહે છે કે કોંગ્રેસ દ્વારા તાજેતરની સ્થિતિમાં હોટેલ ઉદ્યોગને મદદરૂપ થવા માટે તથા પડકારોને પહોંચી વળવા માટે રજુઆત વ્યક્ત કરવામાં આવી હતી. જેથી હોટેલ કર્મચારીઓ તથા નાના વેપારીઓને પણ તેનો લાભ મળી શકે, તેમણે ઉમેર્યું હતું કે તાજેતરના સમયમાં સર્જાયેલા આર્થિક પડકારોને લઇને હોટેલમાલિકો તથા હોટેલ કર્મચારીઓ મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. હોટેલ કર્મચારીઓની નોકરી બચાવવા માટેના કાયદાની સાથે હોટેલવાળાઓને કરમાં રાહત સહિતના પગલાં લેવા માટે કોંગ્રેસને રજુઆત કરવા માટે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

‘હોટેલ્સ આર હાયરિંગ’ એડ કેમ્પેઇન આહલા અને તેની સદાવ્રત શાખા અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ કાર્યક્રમ છે. આ જાહેરત ઓગસ્ટ સુધી ડિજિટલ પ્લેટફોર્મ, રેડિયો અને પ્રિન્ટમાં દર્શાવવામાં આવશે. જેનો હેતુ એ છે કે હોટેલવાળા હજુ પણ પોતાના કર્મચારીઓને નોકરીએ પાછા બોલાવવા માટે તૈયાર છે તેની જાણકારી રોગચાળાને કારણે હોટેલ ઉદ્યોગમાં પોતાની નોકરી ગુમાવનારા કે છોડનારા કર્મચારીઓને થાય.

કેમ્પેઇનના ભાગરૂપે હોટેલ્સઆરહાયરિંગડોટકોમ પોર્ટલ પણ શરૂ કરાયું છે જેથી નોકરી કરવા ઇચ્છુકો તેના થકી હોટેલ ઉદ્યોગમાં પોતાના માટે નોકરી શોધી શકે. આહલા ફાઉન્ડેશન વ્યવસાયિક વિકાસ વર્કશોપ, અપ્રેન્ટીસશિપ તથા એકેડેમિક સ્કોલરશિપ કાર્યક્રમ પણ ચલાવે છે.