મેઈન સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામ ‘સંપૂર્ણપણે નિષ્ફળ’ ગયો

કોંગ્રેસે કેર્સ એક્ટ ફંડિંગમાંથી રદ કરાયેલા 455 અબજ ડોલર પાછા લાવવા પર ભાર આપવો જોઈએ : અમેરિકન હોટેલ અને લોજિંગ સંગઠન

0
899
હોટેલ્સ અને અન્ય જરૂરિયાતવાળા ઉદ્યોગો માટેના મેઈન સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામને ભંડોળ પૂરું પાડવા કોરોનાવાયરસ એઈડ, રિલિફ એન્ડ ઈકોનોમિક સિક્યોરિટી એક્ટ (કેર્સ એક્ટ)માં એકદમ નાની રકમનો સમાવેશ કરાયો છે. આથી મેઈન સ્ટ્રીટ પ્રોગ્રામ ‘સંપૂર્ણપણે નિષ્ફળ’ ગયો છે તેમ અમેરિકન હોટેલ અને લોજિંગ સંગઠને જણાવ્યું હતું.

કોવિડ-19 મહામારીના કારણે આર્થિક મંદીનો સામનો કરી રહેલા હોટેલ ઉદ્યોગને મદદરૂપ થવા ફેડરલ મેઈન સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામ હેઠળ કશું જ કરવામાં આવ્યું નથી તેમ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને (એએચએલએ) જણાવ્યું હતું. સંગઠને વિદાય લઈ રહેલી કોંગ્રેસને આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવા હાકલ કરી હતી. એએચએલએના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ રોજર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ કાર્યક્રમનું ખૂબ જ ખરાબ રીતે સંચાલન કરવામાં આવ્યું છે.

રોજર્સે જણાવ્યું હતું કે, અડધા ટ્રિલિયન ડોલર્સ કરતાં વધુની ફાળવણીના કેર્સ ફંડમાંથી બહુ ઓછી રકમની ફાળવણી સાથે મેઈન સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામના યોગ્ય અમલમાં ટ્રેઝરી ડીપાર્ટમેન્ટની બિન કાર્યક્ષમતાના પગલે આ કાર્યક્રમ અમેરિકન ઈતિહાસમાં આર્થિક નીતિઓના સૌથી ખરાબ બ્યુરોક્રસી બ્લન્ડર્સમાંનો એક બની રહેશે. કોંગ્રેસ દ્વારા કરાયેલી રજૂઆત મુજબ આ ફંડ્સનું વિતરણ નહીં થવાને કારણે હજારો ઉદ્યોગો બંધ થઈ ગયા છે અથવા થઈ જશે. મેઈન સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને તેનાથી હોટેલ ઉદ્યોગને કોઈ રાહત મળી નથી. દેશમાં 71 ટકા હોટેલ્સ બંધ થવાની કગાર પર છે. પરિણામે લાખો કાયમી નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે તેમ એએચએલએના તાજેતરના સરવેમાં જણાયું છે.

રોજર્સે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુચિનના ગયા સપ્તાહના નિવેદનને ટાંકીને આમ જણાવ્યું હતું અમેરિકન ટ્રેઝરી સેક્રેટરીએ ગયા સપ્તાહે ફેડરલ રિઝર્વ બોર્ડ ઓફ ગવર્નર્સને કેર્સ એક્ટમાંથી 455 અબજ ડોલરનો ઉપયોગ થયો ન હોવાથી આ ભંડોળ ટ્રેઝરીમાં પાછું મોકલવા જણાવ્યું હતું. મેઈન સ્ટ્રીટ પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામ્સે આર્થિક મંદીના કારણે અસરગ્રસ્ત ઉદ્યોગોને મદદરૂપ થવા ભંડોળ પૂરું પાડ્યું હતું.

નુચિને જણાવ્યું હતું કે, આ અત્યંત મુશ્કેલ સમયમાં આ ઉદ્યોગોને ભવિષ્યમાં પુનઃ સ્થાપિત કરવા માટે ફેડરલ રિઝર્વ ટ્રેઝરી સેક્રેટરીને મંજૂરી માટે વિનંતી કરી શકે છે અને મંજૂરી મળતાં આ ઉદ્યોગોને કોર ઈએસએફ ફંડ્સમાંથી કાયદા મુજબ અથવા કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા વધારાના ભંડોળથી સહાય કરી શકાશે.

જોકે, મીડિયા રિપોર્ટ્સ એવા સંકેત આપે છે કે ટ્રેઝરી સેક્રેટરીનો આ પત્ર આગામી બાઈડેન એડમિનિસ્ટ્રેશનની સ્થાપનાના પ્રયાસોમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અવરોધોના ભાગરૂપ હોઈ શકે છે.

રોજર્સે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસે આ પત્ર અંગે આક્રોશ કરવો જોઈએ અને હોટેલ ઉદ્યોગ જેવા અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મુકાયેલા ઉદ્યોગોને રાહત પૂરી પાડવા માટે નહીં વપરાયેલા 455 અબજ ડોલરના ભંડોળનો તાત્કાલિક યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કોંગ્રેસે વધુ નાણાકીય સહાય વિના ભરપાઈ ન થઈ શકે એવા નુકસાનનો સામનો કરતાં ઉદ્યોગો અને કામદારો માટે તાત્કાલિક વધારાના સહાય કાર્યક્રમો મંજૂર કરવા પગલાં લેવા જોઈએ.’