આહોઆ દ્વારા હોટલ કર્મચારીઓને વેક્સિન માટે પ્રોત્સાહન

હોસ્પિટાલિટી ક્ષેત્રના કર્મચારીઓને તાજેતરમાં ફેડરલ રસીકરણ કાર્યક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવી હતી

0
858
આહોઆની "અમારા અતિથિઓ, કર્મચારીઓ અને વ્યવસાયોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા" પહેલ રસીકરણ અને તે સંદર્ભના સંસાધનોના ફાયદાઓ વિશે શિક્ષણ પૂરું પાડી રહી છે. હોટલમાલિકો પોતાના કર્મચારીઓ રસીકરણ કરાવે તે માટે સમય ફાળવશે, અવરોધો ઘટાડશે અને તેમના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના પગલાં અંગે પણ વિચારણા કરશે જેથી કોવિડ-19 અટકાવવા માસ્ક પહેરવું, સામાજીક અંતર રાખવા સહિતનાં પગલાં અંગે પણ પ્રોત્સાહિત થાય.

સમગ્ર અમેરિકામાં કોવિડ-19ની વિવિધ રસીઓનું વેક્સિનેશન અને વિતરણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે અને હોટલ કર્મચારીઓને રસીકરણ માટેના કાર્યક્રમમાં મોખરાના સ્થાને રાખવામાં આવ્યા છે. હવે, આહોઆ દ્વારા તેમના સભ્ય હોટેલવાળાઓના કર્મચારીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા અંગે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

સંસ્થાની નવતર પહેલ “અમારા અતિથિઓ, કર્મચારીઓ અને વ્યવસાયોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા” હેઠળ રસીકરણના ફાયદાઓ અંગે તથા તે માટેની પ્રક્રિયા અને સ્રોતો અંગેનું માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી રહી છે. આ નવતર પહેલ પ્રતિજ્ઞા અંગે જે હોટલમાલિકોએ હસ્તાક્ષર કર્યા છે તેઓ પોતાના કર્મચારીઓ રસી લઇ શકે તે માટે સમય ફાળવશે, તે માટેના અવરોધ દૂર કરશે અને મહામારી કોવિડ-19નું સંક્રમણ અટકાવવા માટેના વિવિધ પગલાંઓ જેવા કે માસ્ક પહેરવું, સામાજીત અંતર જાળવવું સહિતનાં પગલાં અંગેની તાલીમ તથા જાણકારી પણ પૂરી પાડશે.

આ અંગે આહોઆના પ્રેસિડેન્ટ અને સીઇઓ સેસિલ સ્ટાટને જણાવ્યું હતું કે “કોવિડ-19 સામેની લડતમાં હવેના સમયમાં સલામતી તથા પોતાના કર્મચારીઓની આરોગ્ય સંભાળ તથા સંક્રમણથી બચવા પોતાના ગેસ્ટની સુરક્ષા તથા સલામતી માટે કર્મચારીઓને તાલીમ આપવા સહિતના ગંભીર પગલાં લેવાની જરૂર છે.” તેમણે ઉમેર્યું હતું કે હવે જ્યારે દેશમાં પરિસ્થિતિ ફરીથી થાળે પડી રહી છે ત્યારે મહામારી શરૂ થયા પહેલાનો સમય ફરી આવે તે માટેના સૌથી મહત્વના તબક્કામાં આપણે પ્રવેશી રહ્યાં છીએ. હવે જેમ જેમ વધુને વધુ અમેરિકન નાગરિકોને રસી અપાઈ રહી છે તેમ તેમ ગ્રાહકોમાં પણ અમારા પ્રત્યે વિશ્વાસ વધે તથા વધુને વધુ પ્રમાણમાં લોકો ફરીથી પ્રવાસ કરતા થાય તેવું અમે ઇચ્છીએ છીએ.

અમેરિકન સરકાર હાલના સમયે વધુને વધુ રસી મેળવી રહી છે અને મે મહિનાના અંત સુધીમાં દરેક પુખ્તવયના નાગરિકને દેશમાં બે મહિનાના નિર્ધારિત સમય અગાઉ રસીનો ડોઝ મળી જાય તેમ છે.

“આપણો ઉદ્યોગ સ્થિતિસ્થાપક છે, અને મને પૂરો ભરોસો છે કે આપણે આ વર્ષે આ મહામારીમાંથી બહાર નીકળી આવીશું અને આપણા અર્થતંત્રને પણ ફરીથી પાટે ચઢાવીને ધમધમતું કરી શકશું. હોટલમાલિકો તૈયાર છે અને પોતાના કર્મચારીઓની, ગેસ્ટની તથા કોમ્યુનિટીની સલામતી માટે મદદરૂપ બનવા પણ ઈચ્છી રહ્યાં છે.” તેમ આહોઆના ચેરમેન બિરેન પટેલે જણાવ્યું હતું.

વ્હાઇટ હાઉસની કોવિડ-19 રીસ્પોન્સ ટીમ અને યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સુરક્ષા કાર્યક્રમના સંકલ્પમાં સહભાગીતા કરવામાં આવી રહી છે. કાર્યક્રમનો લક્ષ્યાંક હોસ્પિટાલિટી ક્ષેત્રના 50,000થી વધુ કર્મચારીઓને રસી લેવાના મહત્વ અંગે જાણકારી આપવાની સાથે સમજાવવા તથા શક્ય હોય ત્યારે તેનો અમલ કરવા અંગેનો છે.

રસી વિતરણ અંગે વધારાની આર્થક સહાયની ફાળવણીનો સમાવેશ પ્રેસિડેન્ટ બાઇડનના અમેરિકન રેસ્ક્યુ પ્લાન એક્ટમાં પણ સમાવેશ કરાયો છે જે આ અઠવાડિયે હાઉસમાં પસાર થાય તેવી મજબૂત સંભાવના છે.

તાજેતરમાં સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન કેન્દ્રો ખાતે હોટલ કર્ચમારીઓને એસેન્શિયલ વર્કર તરીકે પ્રાથમિકતા આપવામાં આવી હતી તેમ અમેરિકન હોટલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

“આહલાના સતત ચાલી રહેલા પ્રયાસો પ્રત્યે અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, સીડીસી દ્વારા તેમની માર્ગદર્શિકામાં હોટલ કર્મચારીઓનો પ્રાથમિકતાના ધોરણે સમાવેશ કરીને તેમને પણ આવશ્યક સેવા કર્મીઓ તરીકે પ્રથમ તબક્કામાં સ્વીકૃત કરવામાં આવ્યા છે, જેનો કોવિડ-19 વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન હેઠળ આવરી લેવામાં આવ્યું છે. આ એક ખૂબ મહત્વની સફળતા છે જેની સીધી અસર સમગ્ર દેશના હોટલ કર્મચારીઓના આરોગ્ય અને સલામતી પર થશે. મહામારીમાં કાર્યરત ફ્રન્ટલાઇન કર્મીઓ તરીકે હવે તેમની ગણના થઈ રહી છે,” તેમ આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સે જણાવ્યું હતું. વેક્સિનેશન સહિતના કાર્યક્રમમાં આપણા સમુદાયને મદદરૂપ થવા માટે અમે ખૂબ પ્રયત્નશીલ છીએ અને તેમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છીએ. હવે જ્યારે શક્ય હોય ત્યાં સુધી ગેસ્ટ અને કર્મચારીઓ વચ્ચેનો સીધો સંપર્ક ટાળવો જોઇએ તેવા માપદંડ છે ત્યારે રસીકરણ માટે કર્મચારીઓની પહેલી પસંદગી સારી બાબત છે.”