11 જાન્યુઆરીનો દિવસ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે તરીકે ઉજવાય છે અને યુ.એસ. હોટેલ ઇન્ડસ્ટ્રીના સભ્યો દ્વારા આ ઘૃણાસ્પદ ગુન્હાને રોકવા માટેના અસરકારક પગલાં તરીકે આ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે, જેથી આ પ્રકારના ગુન્હાને ઓળખી તેની જાણ સંબંધિત તંત્રને કરી શકાય. આ દિવસની ઉજવણી નેશનલ સ્લેવરી એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્શન મોન્થના ભાગરૂપે કરવામાં આવે છે. જેનો હેતુ માનવ તસ્કરીને અટકાવવાનો છે.
હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે ઉજવણીનો પ્રારંભ સેનેટ દ્વારા 2007માં કરવામાં આવ્યો હતો. જેનો હેતુ માનવ તસ્કરી ઉપરાંત મજૂરી કરનારાઓનું શોષણ, ઘરેલું ગુલામી અથવા વ્યાવસાયિક જાતીય પ્રવૃત્તિ માટે થતું બળજબરીપૂર્વક, છેતરપિંડીથી, અથવા દબાણથી થતું શોષણ અટકાવવાનો છે. હોટેલ્સ એવી જગ્યા છે કે જ્યાં વારંવાર ટ્રાફિકિંગની ઘટનાઓ ઘટે છે અને આહોઆ તથા અમેરિકન હોટેલ એન્ડ લોજીંગ એસોસિએશન સહિતના સંગઠનો પોતાના કર્મચારીઓને તાલીમ આપીને આ પ્રકારના ગુન્હાને ઓળખી તેને અટકાવી શકાય તે માટેની તાલીમ આપે છે.
આ બાબતે આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટેટને તથા આહોઆના ચેરમેન બિરન પટેલે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી શરૂ થયા પછીના સમયગાળામાં લેબર અને સેક્સ ટ્રાફિકિંગમાં વધારો થયેલો જોવા મળ્યો હતો અને આ વર્ષે નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે ગંભીરતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. તેઓએ નિવેદનમાં ઉમેર્યું હતું કે કોરોના મહામારીને કારણે માનવ તસ્કરી કરનારાઓને આપણા સમાજમાં આવી જરૂરિયાતવાળી વ્યક્તિઓનું શોષણ કરવા માટે મોકળું મેદાન મળ્યું. જેને કારણે અમેરિકાના હોટેલ માલિકો આ પ્રકારની માનવ તસ્કરીને અટકાવવા માટે ફક્ત આજે જ નહીં પણ હંમેશાં માટે ઢાલ બનીને ઉભા રહેશે.
આ પ્રકારના ગુન્હાને અટકાવવા કર્મચારીઓને નવી પદ્ધતિની તાલીમથી સજ્જ કરવા માટેના કાયદા હેઠળ ગયા મહિને ફ્લોરિડા ખાતેની હોટેલોના કર્મચારીઓને આહોઆ દ્વારા વ્યક્તિગત તથા ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા 2017થી વિનામૂલ્યે હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમની રૂપરેખા એન્ટી-ટ્રાફિકિંગ ઓર્ગેનાઇઝેશન્સ બીઝનેસીસ એન્ડીંગ સ્લેવરી એન્ડ ટ્રાફિકિંગ એન્ડ પોલારીસ અનુસાર તૈયાર કરવામાં આવી છે.
કેરોલ્ટન, ટેક્સાસ ખાતેની મોટેલ 6 અને સ્ટુડિયો 6 બ્રાન્ડ્સની પેરેન્ટ કંપની જી6 હોસ્પિટાલિટી દ્વારા નેશનલ સ્લેવરી એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્શન મન્થની ઉજવણી માનવ તસ્કરી અટકાવનાર સંસ્થાઓની સાથે મળીને પોતાના કર્મચારીઓને તે અંગેની તાલીમ આપવામાં આવે છે.
જી6 હોસ્પિટાલિટીના સીઈઓ રોબ પાલેસ્ચીએ આ બાબતે જણાવ્યું હતું કે આ પ્રકારની સતત તાલીમ અને જાણકારી આપવાની સાથે તથા સંબંધિત વિભાગ સાથેની ભાગીદારીને કારણે માનવ તસ્કરીને રોકવા માટે અમે અમારી સહયોગી સંસ્થાઓ તથા ફ્રેન્ચાઇઝી પાર્ટનરોની સાથે મળીને પ્રયાસ કરી રહ્યાં છીએ.
આ બાબતે કંપની દ્વારા કરવામાં આવેલ પહેલ અને ભાગીદારી અંગેઃ
· જી6 દ્વારા આંતરિક પહેલ તરીકે ભાર મુકીને જાગરુકતા, શિક્ષણ, ટ્રેનિંગ અને સર્વાઇવર સપોર્ટની જાણકારી. કંપની દ્વારા જી6 બ્રાન્ડેડ હોટેલ્સ ખાતે આવા પ્રકારના કોઇપણ બનાવ બાબતે રેપિડ રીસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે.
· જી6 હોસ્પિટાલિટી દ્વારા એચએલએના ‘નો રૂમ ફોર ટ્રાફિકિંગ’ એજ્યુકેશન અને ટ્રેનિંગ કેમ્પેઇનમાં ભાગીદારી કરાઈ છે.
· કંપની દ્વારા બાળ અધિકાર સંગઠન ઈસીપીએટી-યુએસએના ટુરિઝમ ચાઇલ્ડ પ્રોટેક્શન કોડ ઓફ કન્ડક્ટ સાથે જોડાણ કરાયું છે. જે પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્ર વચ્ચે બાળકોનું વ્યવાસિયકસ્તરે થતું જાતિય શોષણ અટકાવવા માટેનું સંયુક્ત સાહસ છે.