અમેરિકાના લોકો આ પાનખર સિઝનમાં ટ્રાવેલ માટે યોજના બનાવી રહ્યા છે પરંતુ આ યોજનાને તેઓ સાકાર કરી શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે, એમ એેએએ ટ્રાવેલના તાજેતરના સરવેમાં જણાવાયું છે. આ સાવચેતીને કારણે ઘણા લોકો યોજનામાં થોડી ઢીલાશ રાખી રહ્યા છે અને બુકિંગ માટે છેલ્લી ઘડી સુઘી રાહ જોઇ રહ્યાં છે.
એએએ સરવેમાં જણાયું છે કે પુખ્તવયના 67 ટકા લોકો વર્ષના અંતના પહેલા વેકેશનની યોજના બનાવી રહ્યાં છે, પરંતુ તેઓ વાસ્તવમાં વેકેશન પર જઈ શકશે કે નહીં તે અંગે તેમનામાં થોડી અનિશ્ચિતતા પ્રવર્તે છે. જોકે પાંચમાંથી એક વ્યક્તિ ટ્રાવેલિંગના એક સપ્તાહમાં બુકિંગ કરવા માગે છે.
સરવેના બીજા તારણ મુજબ 80 ટકા ટ્રાવેલર્સ રોડ ટ્રિપ્સની યોજના બનાવી રહ્યાં છે, જે દર્શાવે છે કે સમરની જેમ આ વખતે પણ ટ્રાવેલિંગ માટે આ માધ્યમ લોકપ્રિય છે. સમર પેટર્નની જેમ જ મોટા ભાગના લોકો સોસિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા આઉટડોર પ્રવાસન સ્થળની વિચારણા કરી રહ્યાં છે.
એએએ ટ્રાવેલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પૈલા ટ્રિડેલે જણાવ્યું હતું કે “ઘણા અમેરિકન વર્ક ફ્રોમ હોમ કરે છે અને સ્કૂલમાં વર્ચ્યુઅલ હાજરી આપે છે. જીવનશૈલીમાં આ હંગામી ફેરફાર પાનખરમાં ટ્રાવેલ માટે નવી અને આકર્ષક તક ઊભી કરે છે. ખાસ કરીને સમર ટ્રાવેલ મોકૂફ રાખનારા લોકોમાં તક છે.” ટ્રાવેલ પસંદ કરનારા લોકો માટે ગ્રેટ અમેરિકન રોડ ટ્રિપ બહાર ફરવાનો અને અમેરિકાને એક્સ્પ્લોર કરવાનો પસંદગીનો વિકલ્પ છે. એએએ આવા ટ્રાવેલર્સને અગાઉથી આયોજન કરવાની અને જવાબદાર ટ્રાવેલર બનવા સાવચેતી રાખવાની સલાહ આપે છે.
ડ્રાઇવ-ટુ ટ્રાવેલના આ ટ્રેન્ડને ગેસના ભાવમાં ઘટાડાને કારણે વેગ મળવાની શક્યતા છે. રાષ્ટ્રીય સ્તરે આ ભાવ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે 50 સેન્ટ નીચા છે અને 2016 પછી આ ભાવ સૌથી સસ્તાં છે.
સરવેમાં જણાવ્યા મુજબ ટોચના દસ રોડ ટ્રિપ ડેસ્ટિનેશન નીચે મુજબ છે.
1. ડેન્વર
2. લાસ વેગાસ
3. લોસ એન્જેલસ
4. સાન ડિયોગો
5. સીએટલ
6. કીસ્ટોન, સાઉથ ડાકોટા
7. પોર્ટલેન્ડ, ઓરેગોન
8. ફિનિક્સ
9. કોલોરાડો સ્પ્રિંગ્સ, કોલોરાડો
10. મિર્ટલ બીચ, સાઉથ કેરોલાઈના
સપ્ટેમ્બરમાં ટ્રીપએડવાઇઝરે ફોલ ટ્રાવેલ સિઝન માટે આવા જ અંદાજ આપ્યાં હતા.