ન્યુજર્સીના નવા કાયદા અનુસાર નવા હોટેલ માલિકો કર્મચારીઓને કાઢી નહીં શકે

બીઝનેસ અને હોસ્પિટાલિટી એસોસિએશન દ્વારા વિરોધ, કહ્યું તેનાથી અસર પડશે

0
1080
ન્યુજર્સીના ગવર્નર ફિલ મરફી ટૂંક સમયમાં નવા કાયદા પર હસ્તાક્ષર કરશે. નવા કાયદાના અમલ પછી નવા હોટેલ માલિકોએ તેના જૂના સ્ટાફને કમસેકમ 90 દિવસ સુધી કામ પર રાખવા જ પડશે. તેઓ કર્મચારીઓના પગાર કે લાભમાં કોઇ ઘટાડો નહીં કરી શકે. આહોઆ અને જૂથ દ્વારા નવા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે.

ન્યુજર્સીની વિધાનસભા-ધારાસભ્યા દ્વારા તાજેતરમાં એક ખરડો પસાર કરાયો જે અનુસાર હોટેલની માલિકી બદલવા સમયે થતા ફેરફાર પર અંકુશ મુકાયો છે. નવા માલિક તાત્કાલિક હોટેલના જૂના સ્ટાફને છુટો નહીં કરી શકે. હોસ્પિટાલિટી અને બિજનેસ જૂથ અને સંગઠનો દ્વારા આ નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું માનવું છે કે તેનાથી સ્ટેટની હોટેલ રિકવરીને સીધી અસર પહોચશે.

એસેમ્બલી બિલ 6246માં અન્ય બાબતો પણ સામેલ છે, તે અનુસાર હોટેલના નવા માલિકે હોટેલના જૂના સ્ટાફને કમ સે કમ 90 દિવસ સુધી કામે રાખવા પડશે. નવી હોટેલની ખરીદીમાં તેઓ કર્મચારીઓના પગાર કે લાભમાં કોઇ ઘટાડો નહીં કરી શકે.

નવા કાયદા અનુસાર હોટેલના જૂના માલિકે તેના તમામ કર્મચારીઓના નામ, સરનામા, કામે રાખ્યાની તારીખ, ફોન નંબર, પગારધોરણ અને અને રોજગાર વર્ગીકરણની માહિતી નવા માલિકને સુકાન સોંપવાના 30 દિવસ પહેલાથી આપવી પડશે. નવા હોટેલ માલિકો સંપત્તિ હસ્તાંતરણ દરમિયાન જરૂરી લાગે તો કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરે છે.

આ સૂચિત કાયદા અંગે ન્યુજર્સી બીઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ગવર્નમેન્ટ અફેર્સ વાઇસ પ્રેસિડેન્ટ રે કેન્ટરે સેન્ટર સ્કેવર ન્યુપેપરને જણાવ્યું હતું કે નવો કાયદો હેતુપૂર્વકનો છે પરંતુ ખામીપૂર્ણ છે.

કાન્ટરે કહ્યું હતું કે નવા કાયદાથી હોટેલ માલિકોને ઘણી અસર પહોંચશે. તેને કારણે કર્મચારીઓ અને માલિકો વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ આવી શકે તેમ છે. જૂના માલિક પાસેથી હોટેલ સંપત્તિ હાંસલ કરનારા નવા માલિકો વચ્ચેના સોદાને પણ તેની અસર થઇ શકે તેમ છે.

આહોઆ, ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન અને ન્યુજર્સી રેસ્ટોરન્ટ એન્ડ હોસ્પિટાલિટી એસોસિએશન દ્વારા આ અંગે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને આ કાયદાના અમલ પહેલા જ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો.

નિવેદનમાં જણાવ્યા અનુસાર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી વૈશ્વિક મહામારી દરમિયાન ભારે પડકારોનો સામનો કરી રહી છે. અનેક આર્થિક સમસ્યાઓ સાથે ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે. ફેબ્રુઆરી 2020ની સરખામણીએ રોજગારીમાં ઘટાડો થયો છે. એક અંદાજે 1.2 બિલિયન નોકરીઓ ઘટી છે.

આ બિલને મંજૂરી માટે ન્યુજર્સીના ગર્વનર ફિલ મરફીને હસ્તાક્ષર માટે મોકલી આપવામાં આવ્યું છે. જોકે તેઓ ક્યારે હસ્તાક્ષર કરીને આ કાયદો અમલમાં મુકશે તે અંગેની કોઇ તારીખ કે જાણકારી ઉપલબ્ધ નથી.

સમગ્ર દેશ કોવિડ-19 મહામારીમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે ત્યારે હોટેલ કામદારોની અછતનો સામનો કરી રહી છે. ડિસેમ્બરના બ્લોગમાં હોટસ્ટેટ્સ દ્વારા જણાવાયું હતું કે નવા કામદારોને વધુ પગાર, અન્ય લાભ સહિતના આકર્ષણના લાભ આપીને નોકરી માટે આકર્ષી શકાય તેમ છે.