દેશની મોખરાની બે હોટેલ કંપની વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ અને હિલ્ટન વર્લ્ડવાઇડ હોલ્ડિંગ્સ આઈએનસી. દ્વારા ત્રિમાસિકગાળામાં સારો વેપાર કરવામાં આવ્યો છે.
વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સની સાલ 2020ના દ્વિતિય ત્રિમાસિકગાળાની 174 મિલિયન ડોલરની ચોખ્ખી ખોટની સરખામણીએ ચાલુ વર્ષે દ્વિતિય ત્રિમાસિકગાળામાં 68 મિલિયન ડોલરનો ચોખ્ખો નફો રળવામાં આવ્યો છે. કંપનીની દ્વિતિય ત્રિમાસિકગાળામાં 2020ના દ્વિતિય ત્રિમાસિકગાળાની 9 મિલિયન ડોલરની સરખામણીએ સમાયોજિત ચોખ્ખી આવક 89 મિલિયન ડોલર રહી હતી. તેના વૈશ્વિક રેવપારમાં 2020ની સરખામણીએ 110 ટકાનો વધારો નોંધાયો છે.
દ્વિતિય ત્રિમાસિકગાળામાં હિલ્ટનની ચોખ્ખી આવક 128 મિલિયન ડોલર રહી હતી તો તેના રેવપારમાં સાલ 2020ના સમાન સમયગાળાની સરખામણીએ 233.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનું ઈબીઆઈટીડીએ 400 મિલિયન ડોલર રહ્યું હતું.
વિન્ધમનો ઝળહળતો સિતારો
સાલ 2020ના સમાન ગાળાના 192 મિલિયન ડોલરની સરખામણીએ વિન્ધમની ફી સંબધી તથા અન્ય આવક 67 ટકા વધીને 321 મિલિયન ડોલરે પહોંચી હતી. પ્રવાસ સંબંધી માંગ વધતા તેના વૈશ્વિક રેવપારમાં પણ 83 ટકાનો વધારો નોંધાયો છે, જે 2019ની સમકક્ષ છે. જેમાં ડોમેસ્ટિક રેવપાર 2019ની સ્થિતિએ 95 ટકા રહ્યો છે.
“અમારી બ્રાન્ડ્સ રોગચાળા પૂર્વેની સ્થિતિએ હતો એ પ્રકારનો વેપાર કરવા તરફ આગળ વધે છે, જ્યારે અહીં અમેરિકામાં અમારી ઇકોનોમી બ્રાન્ડ વાસ્તવમાં તો 2019ના રેવપારને પાર કરી ગઇ છે, તેમ પ્રેસિડેન્ટ અને સીઈઓ જીઓફ્રે બલોટ્ટીએ કહ્યું હતું. ગત વર્ષની સરખામણીએ અમે નવા 70 ટકા વધારે રૂમ શરૂ કર્યાં છે જ્યારે અગાઉની સરખામણીએ હાલમાં બાંધકામ હેઠળની પ્રવૃત્તિમાં પણ વધારો છે, જેમાં 190,000 ઓરડા સામેલ છે.
આ ત્રિમાસિકગાળામાં કંપનીએ 154 નવા કોન્ટ્રાક્ટ હાંસલ કર્યાં છે, જે ગત વર્ષે સમાનગાળામાં 116 હતા અને 2019માં સેકન્ડ ક્વાર્ટરમાં 173 હતા. જે દર્શાવે છે કે મહામારીનો સમય હોવા છતાં તેમાં સારો દેખાવ રહ્યો છે.
હિલ્ટન નવા ઉંચાઈ તરફ
30મી જૂને પૂરા થતાં છ મહિના દરમિયાન અમેરિકા અને યુરોપમાં ફેલાયેલી તેની 300 હોટેલને હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી. કંપનીના એક નિવેદન અનુસાર તે પહેલા 1205 હોટેલ બંધ કરવી પડી હતી. હવે હિલ્ટનની સિસ્ટમ આધારિત અંદાજે 100થી વધુ હોટેલની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
સિસ્ટમ વ્યાપી તુલનાત્મક રેવપાર જૂન 30 અગાઉના છ મહિના દરમિયાન 23.2 ટકા વધ્યો હતો, જે વેપાર વધવાને કારણે થયું હતું. ફી રેવન્યુમાં 28 ટકાનો વધારો સમાનગાળા દરમિયાન નોંધાયો હતો.
આ અંગે હિલ્ટનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ક્રિસ્ટોફર નસેટ્ટાએ કહ્યું હતું કે મહામારીનો સમય હોવા છતાં અમારી હોટેલો દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. કેટલીક બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે સમય સુધર્યો છે. પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો છે.
દ્વિતિય ત્રિમાસિક ગાળામાં કંપની દ્વારા નવા 25900 ઓરડાના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. જેને પરિણામે જૂન 30 સુધીની સ્થિતિએ કંપની હસ્તક 401,000 ઓરડા બાંધકામ હેઠળ હોવાનું જાણવા મળે છે. કંપની દ્વારા પોતાનું દેવું પણ ચૂકતે કરવામાં આવી રહ્યું હોવાનું નિવેદનમાં જણાવાયું છે.