પીપીપી લોનનો નવો રાઉન્ડ 11 જાન્યુઆરીથી શરૂ થશે

નવી માર્ગદર્શિકામાં અગાઉ ઋણ લેનારાઓને પણ ફરીથી યોજનાનો લાભ લેવા અનુમતી આપે છે

0
952
તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 900 બિલિયન ડોલરના કોવિડ-19 રાહત પેકેજમાંથી 284 બિલિયન ડોલરના પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ લોનનો નવો રાઉન્ડ શરૂ થશે. લોન નવું ધિરાણ લેવા ઇચ્છનારાઓ માટે ઉપલબ્ધ થશે અને અગાઉ આ કાર્યક્રમ હેઠળ ઋણ લેનારાઓને પણ નવું ધિરાણ મળી શકશે તેમ સ્મોલ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા જણાવાયું છે.

જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે પેચેક પ્રોટેક્શન પ્રોગામ લોનનો રાઉન્ડ સોમવારથી શરૂ થઈ રહ્યો છે. 284 બિલિયન ડોલરના આ પ્રોગ્રામમાં નવેસરથી લોન લેનારાઓની સાથે અગાઉ આ કાર્યક્રમ હેઠળ ધિરાણ લેનારાઓ પણ નવેસરથી ધિરાણ મેળવી શકશે.

લોનનું વ્યવસ્થાપન સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે અને જોબ રીટેન્શન તથા અન્ય ખર્ચને સંલગ્ન બાબતો સંદર્ભે આ લોન માટે અરજી કરી શકાશે. નવી અરજીઓ 31 માર્ચ સુધી સ્વીકારવામાં આવશે.

નવી એસબીએ માર્ગદર્શિકા અનુસાર લોનનો પહેલો ડ્રો કોમ્યુનિટી ફાયનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશનન્સ માટે પહેલા દિવસે તથા 13 જાન્યુઆરીએ ઉપલબ્ધ બનશે અને ત્યાર બાદ લોન લેવાની ઇચ્છા રાખનારા દરેક દ્વારા અરજી કરી શકાશે.

આ કાર્યક્રમ અંગે એસબીએ એડમિનિટ્રેટર જોવિતા કારાન્ઝાએ જણાવ્યું હતું કે પેચેક પ્રોટેકશન પ્રોગ્રામની ઐતિહાસિક સફળતાને કારણે સેંકડો નાના વેપારીઓ તથા તેમના કર્મચારીઓને જરૂરિયાતના સમયે આર્થિક ટેકો મળ્યો છે. તેમણે ઉમેર્યું કે કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને આજની ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે અને નાના વેપાર-ધંધાના માલિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ ફરી બેઠા થઇ શકે.

પીપીપી પ્રોગ્રામમાં સામેલ નવી બાબતથી, ધિરાણ લેનાર પોતાની લોન માટેની સમય અવધિમાં ફેરફાર કરી શકશે, જે આઠથી 24 અઠવાડિયાની હશે. લોનમાં વધારાના ખર્ચને સામેલ કરી લેવામાં આવ્યા છે, જેમાં વ્યવસ્થાપન ખર્ચ, પ્રોપર્ટી ડેમેજ કોસ્ટ, સપ્લાયર કોસ્ટ અને કામદાર સલામતી ખર્ચનો સમાવેશ થાય છે. ઉપરાંત 501(c)(6)s, હાઉસિંગ કોઓપરેટિવ્સ, ડેસ્ટીનેશન માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન્સ અને અન્ય પ્રકારના સંગઠનો પણ આ લોન મેળવવાપાત્ર બની શકશે. કેટલાક મહત્વના ફેરફાર આહોઆ તથા યુએસ ટ્રાવેલ એસોસિએશન અને અમેરિકન હોટેલ એન્ડ લોજીંગ એસોસિએશન દ્વારા છેલ્લાં કેટલાક મહિનાથી થઇ રહેલી માંગણીને લઇને કરવામાં આવેલા છે.

ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મનુચિન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ હેઠળ સફળતાપૂર્વક 525 બિલિયન ડોલરની 5.2 મિલિયન લોન અમેરિકાના નાના વેપારીઓને આપવામાં આવી છે, જેથી તેઓ 51 મિલિયન નોકરી સલામત રાખી શકે. તેમણે ઉમેર્યું હતું કે નવી માર્ગદર્શિકામાં કોવિડ-19 મહામારીને કારણે અસર પામેલ નાના વેપારીઓ તથા ઉદ્યોગકારોને પણ આર્થિક ટેકો મળી શકે તે પ્રકારની રાહત આપી શકશે. જેથી તેઓ પોતાના કર્મચારીઓને ચૂકવણું કરી શકે.

નાતાલ અગાઉ કોંગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવેલા 900 બિલિયન ડોલરના કોવિડ-19 રિલિફ પેકેજ હેઠળ આ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.