કોવિડ-૧૯ રોગચાળાના લીધે ૨૦૨૦ના બાકીના સમય અને ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા માટે હોટેલ ઉદ્યોગનું આર્થિક પરિદ્રશ્ય નબળું છે, એમ CBRE હોટેલ્સ રિસર્ચમાં જણાવાયું હતું. આમ ફુલ રિકવરી એટલે કે સંપૂર્ણ નવસંચાર અગાઉના અંદાજની તુલનાએ બે વર્ષ પાછો ઠેલાયો છે. પણ આ કોવિડ-૧૯ની રસીનો વ્યાપ વધવાની સાથે આગામી વર્ષે નવસંચારની સંભાવના છે.
નવા અંદાજમાં આગાહી કરવામાં આવી છે કે ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં ઓક્યુપન્સીનું સ્તર ૪૪.૪ ટકા રહેશે, એમ CBRE હોટેલ્સ રિસર્ચની ત્રીજા ક્વાર્ટરની હોટેલ હોરિઝોન્સની આવૃત્તિમાં જણાવાયું છે. ઓક્યુપન્સી વર્ષના બીજા ભાગમાં વધીને ૫૫.૭ ટકા રહેશે.
CBREએ આ અંદાજોમાં તાજેતરમાં કોવિડ-૧૯ના કેસોમાં આવેલા ઉછાળાને અને પ્રવર્તમાન આર્થિક કટોકટીની સાથે નવી રસીના વિતરણની સંભાવનાઓને ધ્યાનમાં લીધી છે.
CBREના વરિષ્ઠ હોટેલ ઇકોનોમિસ્ટ બ્રામ ગેલઘરે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના વાઇરસના કેસોનો ફેલાવો વધતા અને સરકાર દ્વારા ફરીથી પ્રતિબંધો લાદવામાં આવતા અને તેની સાથે આર્થિક સ્ટિમ્યુલસ પેકેજના પ્રોત્સાહનના અભાવે ૨૦૨૦ના બાકીના સમયગાળા અને આગામી વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા માટે અમેરિકન હોટેલ્સ ઉદ્યોગની આર્થિક કામગીરીનું પરિદ્રશ્ય નબળું જણાઈ રહ્યું છે.
હોટેલ હોરિઝોનના અંદાજો દર્શાવે છે કે ઓક્યુપન્સી અને એડીઆર છેક ૨૦૨૪માં ૨૦૧૯ના સ્તરે પરત ફરવા જોઈએ. લોઅર પ્રાઇસ્ડ સેગમેન્ટ્સ, ઇકોનોમી અને મિડસ્કેલ હોટેલ્સ હાઈ-પ્રાઇસ્ડ પ્રોપર્ટીઝની તુલનાએ ઝડપી રિકવરી દર્શાવશે. જ્યારે લક્ઝુરિયસ હોટેલ્સમાં ઓક્યુપન્સની સ્તર વિક્રમજનક નીચા સ્તરે પહોંચ્યું છે. સેગમેન્ટ રેટ સ્થિર રહ્યા છે, જ્યારે લેઇઝર ટ્રાવેલર જે સામાન્ય રીતે વૈભવી સવલતો પસંદ કરતાં હોય છે તેઓ પ્રીમિયમ પ્રાઇસ ચૂકવવાનું જારી રાખશે.
આમ સર્વગ્રાહી ધોરણે જોઈએ તો ૨૦૨૧માં અમેરિકન હોટેલ્સના એડીઆરમાં ૧.૩ ટકાનો ઘટાડો થશે અને ત્રણ લોઅર-પ્રાઇસ્ડ ચેઇન સ્કેલના એડીઆરમાં વધારો થશે, પરંતુ હાયર પ્રાઇસ્ડ સેગમેન્ટના એડીઆરમાં ઘટાડો જારી રહેશે. નવી હોટેલના બાંધકામની પ્રવૃત્તિમાં તાજેતરમાં થયેલા ઘટાડાના લીધે હોટેલિયરોના પ્રાઇસિંગ પાવરમાં વધારો થશે.
૨૦૨૦ના અંત સુધીમાં પુરવઠામાં ૧.૮ ટકાનો અને ૨૦૨૧માં ૧.૪ ટકાનો વધારો થશે તેમ મનાય છે. પણ નેટ સપ્લાયમાં આ વધારો ૨૦૨૨માં એક ટકાની નીચે ઉતરી જવાનો અંદાજ છે, તેના લીધે લોજિંગ માંગની રિકવરીમાં નવી સ્પર્ધાની અસર ઓછી જોવા મળશે. કેટલીક હોટેલ્સ ૨૦૨૪ પહેલા પણ ૨૦૧૯ના નફાના સ્તર પર પરત ફરે, કારણ કે ઓપરેટરોએ ૨૦૨૦માં અસરકારક ખર્ચ અંકુશના પગલા દ્વારા આવકમાં થયેલા નોંધપાત્ર ઘટાડાની ભરપાઈ કરી છે અને નજીકના ભવિષ્યમાં પણ તે આ જ દરે વૃદ્ધિ કરવાનું જારી રાખશે, એમ CBREનું કહેવું છે.
CBRE હોટેલ હોરિઝોન્સે સપ્ટેમ્બરમાં બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા.તેનું તારણ હતું કે ઓક્યુપન્સી દર ગયા વર્ષના ૬૦ ટકાથી ઘટીને આ ક્વાર્ટર દરમિયાન ૨૮.૩ ટકા થઈ ગયો હતો. પણ માંગ મે અને જુનમાં લેઇઝર ટ્રાવેલના લીધે ૮૩ ટકા વધી હતી.