વિશ્વ સ્તરે હોટેલ્સ કન્સ્ટ્રક્શન્સના પ્રોજેક્ટ્સની ગણતરીમાં અમેરિકા પ્રથમ ક્રમે હોવાનું લોજીંગ ઈકોનોમેટ્રિક્સ જણાવે છે. એકંદરે, પાઈપલાઈનમાં રહેલા કામોમાં પ્રોજેક્ટ્સના ધોરણે પાંચ ટકાનો અને રૂમ્સના ધોરણે ચાર ટકાનો વધારો અગાઉના વર્ષના આ જ સમયગાળાની તુલનાએ નોંધાયો હતો. પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટના અનેક તબક્કા પ્રોજેકટ્સ તથા રૂમ્સ, બન્ને સંદર્ભમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા.
એલઈના ગુરૂવારે જાહેર કરાયેલા રીપોર્ટ મુજબ પાઈપલાઈનમાં રહેલા કુલ 14,779 પ્રોજેક્ટ્સમાં 2,412,736 રૂમ્સનો સમાવેશ થાય છે. હાલમાં બાંધકામ હેઠળના 6,896 પ્રોજેક્ટ્સમાં 1,230,572 રૂમ્સનો સમાવેશ થાય છે, આ સંખ્યા ઓલ ટાઈમ હાઈ છે. બીજી એક સર્વાધિક સંખ્યા આગામી 12 મહિનામાં શરૂ થનારા પ્રોજેક્ટ્સની છે, જેમાં 4,599 પ્રોજેક્ટ્સ અને 651,133 રૂમ્સનો સમાવેશ થાય છે. આ સંખ્યા બીજા ક્વાર્ટરના અંતેની છે. પાઈપલાઈનમાં પ્રારંભિક પ્લાનિંગના સ્તરે વધુ 3,283 પ્રોજેક્ટસ અને 531,031 રૂમ્સ છે.
પાઈપલાઈનમાં રહેલા કુલ પ્રોજેક્ટ્સમાં 38 ટકા હિસ્સા સાથે અમેરિકા પ્રથમ ક્રમે છે, અહીં 5,582 પ્રોજેક્ટ્સ અને 687,801 રૂમ્સનો સમાવેશ થાય છે. 3,574 પ્રોજેકટ્સ અને 647,704 રૂમ્સ સાથે ચીન 24 ટકા હિસ્સો ધરાવે છે અને તે બીજા ક્રમે છે. બન્ને મળીને પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટ્સમાં કુલ 62 ટકા હિસ્સો ધરાવે છે.
ઘણા નાના હિસ્સા – 350 પ્રોજેક્ટ્સ અને 52,398 રૂમ્સ સાથે યુકે ત્રીજા ક્રમે તેમજ એ પછી ઈન્ડોનેશિયા 345 પ્રોજેક્ટ્સ અને 56,373 રૂમ્સ તથા જર્મની 296 પ્રોજેક્ટ્સ અને 39,645 રૂમ્સ સાથે આવે છે.
વિશ્વમાં નવા પ્રોજેક્ટ્સની દ્રષ્ટિએ ટોપ 6 શહેરોમાંથી ચાર અમેરિકાના છે, જેમાં લોસ એન્જેલસમાં 163 પ્રોજેક્ટસ અને 27,415 રૂમ્સ; ડલ્લાસમાં 158 પ્રોજેક્ટ્સ અને 19,314 રૂમ્સ; ન્યૂ યોર્કમાં 151 પ્રોજેક્ટ્સ તથા 26,302 રૂમ્સ અને આટલાન્ટામાં 135 પ્રોજેક્ટસ અને 18,634 રૂમ્સનો સમાવેશ થાય છે.
ટોપ કંપનીઝમાં મેરીઅટ ઈન્ટરનેશનલના 2,682 પ્રોજેક્ટ્સ અને 452,459 રૂમ્સ; હિલ્ટન વર્લ્ડવાઈડના 2,532 પ્રોજેક્ટ્સ અને 378,124 રૂમ્સ, ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપના 1,798 પ્રોજેક્ટ્સ અને 263,057 રૂમ્સ તથા એકોરહોટેલ્સના 886 પ્રોજેક્ટસ અને 157,362 રૂમ્સનો સમાવેશ થાય છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ચાર કંપનીઝ મળીને વિશ્વ સ્તરે પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટ્સનો 53 ટકા હિસ્સો ધરાવે છે.
મેરીઅટ, હિલ્ટન તથા આઈએચજીનું બીજા ક્વાર્ટરમાં અમેરિકામાં હોટેલ નિર્માણ ક્ષેત્રે પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટ્સમાં વર્ચસ્વ રહ્યું હોવાનું એલઈના રીપોર્ટમાં જણાવાયું છે.