તાજેતરના અઠવાડિયાઓમાં, સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ દ્વારા તેની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને લઇને વ્યક્ત કરવામાં આવેલી સંભાવનામાં સુધારો કરવામાં આવ્યો છે. સંસ્થા અનુસાર હવે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી 2023ને બદલે 2024 સુધીમાં 2019 પહેલાના સ્તરે પહોંચી શકે તેમ છે. કોવિડ-19ને કારણે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ભારે અસર પહોંચી છે. સંક્રમણના કેસ વધતા પ્રવાસ પર નિયંત્રણો મુકાયા હતા અને તેની અસર હોટેલ ઉદ્યોગોને થઇ હતી.
ગત વર્ષની સરખામણીએ ત્રીજા ત્રિમાસિકગાળાની હોટેલ ઓક્યુપન્સીમાં 35.1 ટકાનો વધારો થયો છે, તેમ સીબીઆરઈ દ્વારા તેના ડિસેમ્બર 2021ના હોટેલ હોરિઝોનના અંકમાં જણાવ્યું છે. એડીઆરમાં પણ વધારો જોવા મળ્યો છે તેમ અહેવાલમાં જણાવાયું છે.
સીબીઆરઈ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે સીબીઆરઈને આશા છે કે એડીઆર હજુ આગળ વધશે અને 2019 સુધીના સ્તરે પહોંચશે, 2023ના પ્રારંભ સુધીમાં માંગમાં વધારો થતા આ પરિસ્થિતિ જોવા મળી શકશે.
સીબીઆરઈ દ્વારા વ્યક્ત કરાયેલી સંભાવના અનુસાર હાલની હોટેલોને વર્તમાન પરિસ્થિતિનો લાભ મળી શકે તેમ છે. ખાસ કરીને બાંધકામ હેઠળની અને કામદારોને લઇને સર્જાયેલી સમસ્યામાં આંશિક રાહત મળી શકે તેમ છે.
રૂમ ભાડાંને કારણે હોટેલ રિકવરી આગળ વધશે તેમ સીબીઆરઈ દ્વારા જણાવાયું છે. હાલના સમયે જોવા મળતી સ્ટાફની અછત સહિતની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવી શકે તેમ હોવાનું પણ સીબીઆરઈ દ્વારા તેના આ તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
જોકે હાલના સમયે ઓમિક્રોન સંક્રમણના વધતા દર્દીઓની સંખ્યાને કારણે વેપાર, કન્વેન્શન અને લાર્જ-ગ્રુપ ટ્રાવેલને અસર પહોંચી શકે તેમ હોવાનું પણ સીબીઆરઈ દ્વારા જણાવાયું છે. જોકે સંસ્થા દ્વારા જણાવાયું છે કે ઓછા ખર્ચ અને વધુ સુવિધા સહિતના કારણોથી 2022 સુધીના મધ્યભાગ સુધીમાં આ કેટેગરીઓમાં સુધારો જોવા મળશે.
સીબીઆરઈ દ્વારા તેના અહેવાલમાં જણાવાયું છે કે ઓમિક્રોન વરિયન્ટ સંક્રમણને કારણે સુધારાની સંભાવનાને હજુ અસર પહોંચી શકે તેમ છે. હાલમાં હોટેલ સેક્ટર સામે ફરીથી પ્રવાસ નિયંત્રણોને લઇને આશંકા રહેલી છે. ઓમિક્રોન વરિયન્ટ સંક્રમણના દર્દીઓની સંખ્યાને લઇને પ્રવાસ નિયંત્રણો વધારે કડક બની શકે તેમ હોવાથી તેની અસર પ્રવાસન ક્ષેત્રને થઇ શકે તેમ છે.
સીબીઆરઈ દ્વારા અગાઉ ડેલ્ટા વરિયન્ટના સંક્રમણના વધતા કેસને ધ્યાને લઇને પણ હોસ્પિટાલિટી ક્ષેત્રે અસર પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.